મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે રવિવાર, 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં એક દિવસમાં 6,123 નવા કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષના માર્ચ પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. નાઇટ કરફ્યૂ રાત્રીના આઠથી સવારના સાત વાગ્યા સુધી અમલમાં રહેશે. આ નવા નિયંત્રણો 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
મહારાષ્ટ્ર સરકારે શનિવારે નવા નિયંત્રણોની વિગત જારી કરી હતી. રાજ્યમાં જાહેર સ્થળોએ રાત્રીના આઠથી સવારના સાત વાગ્યા સુધી પાંચથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. ગાર્ડન, બીચ, સીફ્રન્ટ પણ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે. મોલ, સિનેમા હોલ, રેસ્ટોરાં અને ઓડિટોરીય પણ રાત્રીના આઠથી સવારના સાત વાગ્યા સુધી બંધ રહેશે.
મુંબઈના મેયર કિશોર પેડનેકરે જણાવ્યું હતું કે હોટેલ, પબ અને શોપિંગ મોલ નાઇટ કરફ્યૂનું પાલન કરશે. કોરોનાના ફેલાવાને અટકાવવા માટે માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. મુંબઇની ઘણી હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટેના બેડની અછત વર્તાઈ રહી છે.