દેશના લાખ્ખો ઘરમાં નાસ્તાના ટેબલ પર તમને દરરોજ સવારે મલ્ટિવિટામિન સપ્લીમેન્ટ્સ લેનારા

લાખો લોકો જોવા મળશે પરંતુ વિટામિનની ગોળીઓ ખરેખર માનસિક ભ્રમને પોષવા માટેનું એક સાધન માત્ર છે તેમ યુનાઇટેડ સ્ટેટ્સની હાર્વર્ડ યુનિવર્સિટીની ટીમે કરેલા સંશોધનમાં બહાર આવ્યું છે.

મલ્ટી વીટામીનની દવા લેનારા અને નહિં લેનારા લોકોની તુલના કરવામાં આવી ત્યારે તેમની વચ્ચે કોઇ યોગ્ય ક્લિનિકલ તફાવત જોવા મળ્યા ન હતા. પરંતુ આ ગોળીઓ લેનારાઓને લાગ્યું હતું કે તેઓની તબિયત સારી છે.

હેલ્થ ફૂડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એચએફએમએ) ના અનુસાર, બ્રિટનમાં પુખ્ત વયના 69 ટકા લોકો સપ્લીમેન્ટ્સ લે છે, અને તેમાંના લગભગ અડધા લોકો મલ્ટિવિટામિન લે છે.

નિયમિત દૈનિક પ્રવૃત્તિઓમાં, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબિટીઝ અને સંધિવા, માનસિક તકલીફ, અથવા આરોગ્ય સમસ્યાઓ જેવી લાંબા ગાળાની પરિસ્થિતિઓનો ઇતિહાસની વાત કરો ત્યારે, મલ્ટિવિટામિન લેનારા અને નહિં લેનારા લોકો વચ્ચે કોઈ તફાવત જોવા મળ્યો નથી.

એનએચએસ માર્ગદર્શિકા કહે છે કે પુખ્ત વયના લોકોએ મલ્ટિવિટામિન કે સપ્લીમેન્ટ્સ લીધા વિના, તેમના આહારમાંથી તેમને જોઇતા જરૂરી વિટામિન અને ખનિજો લેવા જોઇએ. જો કે જે મહિલાઓ ગર્ભવતી થઈ શકે છે અથવા જેઓ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં છે, તેઓએ ફોલિક એસિડ પૂરવણીઓ લેવી જોઈએ.

જો કે સામે પક્ષે એચએફએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગ્રેહામ કીને કહ્યું હતું કે “તંદુરસ્ત જીવન માટે વિટામિન અને ખનિજો જરૂરી છે. કેટલાક લોકો માટે સપ્લીમેન્ટ્સ આવશ્યક છે જે તેમને પોષક તત્વોની ખામી સામે રક્ષણ આપે છે, જેને આરોગ્ય વિભાગ પણ સમર્થન આપે છે. રોગપ્રતિકારક શક્તિના સામાન્ય કાર્ય માટે વિટામિન ડી, સી, એ, બી 6, બી 12 અને ફોલિક એસિડ, ઉપરાંત ખનિજો સેલેનિયમ, જસત, તાંબુ અને આયર્ન જેવા ઘણા સુક્ષ્મ પોષકતત્વો મહત્વપૂર્ણ છે. આરોગ્યપ્રદ રોગપ્રતિકારક શક્તિ માટે આ પોષક તત્વોનું પૂરતું સેવન મહત્વપૂર્ણ છે.”