ભારતના ગૃહ મંત્રાલય દ્વારા પાંચમાં તબક્કાના અનલોક માટેની ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. આ દિશાનિર્દેશ મુજબ ૧૫ ઓક્ટોબરથી સિનેમા ઘરો અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવશે. થીએટરમાં જેટલી સીટો હશે તેનાથી ૫૦ ટકા જ ટિકિટો વેચી શકાશે.
રાજ્યો ૧૦૦થી વધુ લોકોની હાજરી ધરાવતા સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોને પોતાની રીતે મંજૂરી આપી શકશે. ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મહત્તમ ૧૦૦ લોકોની હાજરી સાથેના સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોને અગાઉ જ મંજૂરી આપી દેવામાં આવી હતી. હવે રાજ્યો ૧૦૦થી વધુ લોકોની હાજરી ધરાવતા આવા કાર્યક્રમોને મંજૂરી પોતાની રીતે આપી શકશે.
બંધ હોલમાં હોલની ક્ષમતાના પ૦ ટકા સાથે મહત્તમ ૨૦૦ લોકોની મર્યાદા સાથે કાર્યક્રમની મંજૂરી આપી શકાશે. જો કે આ કાર્યક્રમમાં હાજ રહેનારા તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. હોલની બહાર થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા કરવી પડશે. હોલમાં હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવી પડશે.
ખેલાડીઓને ટ્રેનિંગ આપવા માટે સ્વીમિંગ પુલ ખોલી શકાશે. ૧૫ ઓક્ટોબરથી શાળાઓ અને કોચિંગ ઇન્સ્ટીટયૂટ શરૃ કરવા કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકારોએ લેવો પડશે. જો કે શાળાઓ શરુ થયા પછી પણ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા ચાલુ જ રાખવી પડશે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો ખુલ્લા રાખવા પડશે.