ભારતના બિલિયોનેર્સ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સોલાર પેનલ બનાવતી યુરોપની સૌથી મોટી કંપની આરઇસી ગ્રૂપને ખરીદવાની અંતિમ તબક્કાની મંત્રણા કરી રહી છે. રિલાયન્સ 1થી 1.2 બિલિયન ડોલરમાં ચાઇના નેશનલ કેમિકલ કોર્પ પાસેથી આ કંપની ખરીદે તેવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ સોદાથી મુકેશ અંબાણીની રિલાયન્સ આધુનિક ટેકનોલોજી અને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો લાભ મળશે. કંપનીએ તાજેતરમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ સોદા માટે 50થી 60 કરોડ ડોલરનું ભંડોળ ઉભુ કરવા માટે ગ્લોબલ બેન્ક્સ સાથે વાતચીત ચાલી રહી છે અને બાકીની રકમ ઇક્વિટી મારફતે ઉભી કરવામાં આવશે. આરઇસી ગ્રૂપનો હેડક્વાર્ટર નોર્વેમાં છે, જ્યારે તેનું રજિસ્ટ્રેશન સિંગાપુરમાં થયેલુ છે. આરઇસી ગ્રૂપ ચીનની સરકારી કેમિકલ કંપની કેમચાઇનાની ઇન્ટરનેશનલ મેમ્બર છે.
આરઇસી ફોટોવાલ્ટેઇક એપ્લિકેશન્સ અને મલ્ટી ક્રિસ્ટાલાઇન વેફર્સની માટે સિલિકોન મટીરિયલ્સ બનાવે છે. આ સાથે જ કંપની રૂફટોપ ઇન્સ્ટોલેશન, ઇન્ડસ્ટ્રીયલ અને સોલાર પાર્ક્સની માટે સોલાર સેલ્સ અને મોડ્યુલ્સ બનાવે છે. જો આ સોદો થયો તો સોલાર પેનલની આયાત માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
સુત્રોના મતે રિલાયન્સ અને આરઇસીના સોદા અંગે આગામી થોડાંક સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આરઇસી ગ્રૂપની વાર્ષિક ક્ષમતા 1.5 ગીરાવોટ છે. કંપનીએ 4 કરોડથી વધારે સોલાર પેનલ બનાવી છે. આરઇસી ગ્રૂપની સ્થાપના 1996માં થઇ હતી અને વાર્ષિક 2000ની શરૂઆતમાં તે આઇપીઓ લઇને આવી હતી. નબળી માંગને કારણે 2011-12માં કંપનીના પ્લાન્ટ અને કામકાજ બંધ કરવા પડ્યા હતા. વર્ષ 2013માં આરઇસીમાંથી વધુ એક કંપની રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન (આરઇસી સિલિકોન) બનાવવામાં આવી હતી. વર્ષ 2014માં ચાઇના નેશનલ બ્લૂસ્ટારે આરઇસી સોલારને 64 કરોડ ડોલરમાં ખરીદી હતી.