આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં સર્વોપરિતા માટેની વૈશ્વિક રેસ ‘હનૂમાન’ના આગમન પછી વધુ તીવ્ર બનશે. ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ દ્વારા સમર્થિત એઆઇ ટુલ હનુમાન માર્ચમાં લોન્ચિંગ માટે તૈયાર છે. હનુમાન એક ChatGPT જેવું જ AI ચેટબોટ હોવાનું કહેવાય છે અને તેને BharatGPT લોન્ચ કરશે.
અહેવાલો મુજબ હનુમાનને ભારતજીપીટીએ વિકસાવ્યું છે. આ કન્સોર્ટિયમમાં રિલાયન્સ અને ભારતના આઠ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના AI ટૂલ ‘Hanooman’ પર કામ કરી રહી છે. તેનાથી આગામી દિવસોમાં ChatGPT અને હનૂમાન વચ્ચે ટક્કર થવાની શક્યતા છે. ભારતમાં સ્વદેશી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવવા માટે આ એક મોટું કદમ હશે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતની IITઓના ટેકાથી ભારત GPT ગ્રૂપ બનાવવામાં આવ્યું છે અને તે હવે ‘Hanooman’લોન્ચ કરશે.
હનૂમાનને તૈયાર કરવા માટે ભારતની આઠ IIT, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને કેન્દ્ર સરકારે હાથ મિલાવ્યા છે. તાજેતરમાં મુંબઈ ખાતે ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં આ મોડેલની આછી ઝલક આપવામાં આવી હતી. તેમાં એક મોટર સાઈકલ મિકેનિકે તમિલ ભાષામાં AI બોટ સાથે વાતચીત કરી હતી. એક બેન્કરે આ ટૂલ સાથે હિંદીમાં વાત કરી હતી જ્યારે હૈદરાબાદ સ્થિત એક ડેવલપરે આ ટૂલનો ઉપયોગ કરીને કોમ્પ્યુટક કોડ રાઈટ કર્યા હતા. આ મોડેલ ચાર ફિલ્ડમાં કામ કરશે અને તે 11 ભાષાઓમાં ઉપલબ્ધ હશે. તેના કારણે હેલ્થકેર, ગવર્નન્સ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને એજ્યુકેશનના ક્ષેત્રમાં આખું ચિત્ર બદલાઈ જાય તેવી શક્યતા છે.