ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો કડાકો બોલાઈ ગયો છે ત્યારે એશિયાના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીની સંપત્તિમાં આજે એક દિવસમાં રૂપિયા 44,000 કરોડનું ધોવાણ થયું છે. મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરનો ભાવ આજે 12.35 ટકા ગગડી રૂા.1,113.15 રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં રૂા.1094.95 બોલાયો હતો.
RILના શેરમાં આજનો આ ઘટાડો છેલ્લા 11 વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આજના 12.39 ટકા ઘટાડા પ્રમાણે લગભગ 5.90 અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે. રૂપિયા પ્રમાણે ગણતરી જોઈએ તો શેરબજારમાં આજની મંદીને પગલે આશરે રૂપિયા 44,000 કરોડનો ઘટાડો થયો છે.