ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે, 19 જૂને જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું.
શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી.
ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.