ભારત આઈટી અને ઓટોમોબાઈલમાં ટોચનું સ્થાન મેળવ્યા પછી હવે ચિપ્સ અથવા સેમી કન્ડક્ટર સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે ત્યારે ભારતના બિલિયોનર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આ ક્ષેત્રમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. મીડિયા રીપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ આ માટે પાર્ટનર્સ પસંદ કરી લીધા છે અને તેમની સાથે વાતચીત શરૂ કરી હોવાનું કહેવાય છે.
વેદાંતા અને તાઈવાની ફોક્સકોન ગુજરાતમાં ચિપ્સ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા હતી, પરંતુ ત્યાર પછી ફોક્સકોન આ પ્રોજેક્ટમાંથી નીકળી ગઈ છે. ભારત સરકાર હાલમાં ભારતીય કંપનીઓને ચિપ્સ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરી રહી છે અને તેમાં રિલાયન્સ પણ સામેલ છે. રિલાયન્સે સંભવિત ટેક્નોલોજી પાર્ટનર શોધી લીધા છે અને તેમની સાથે ડીલ કરવા માટે વાતચીત જારી છે.
હાલમાં ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં સેમી કન્ડક્ટરની ડિમાન્ડ વધતી જાય છે. ભારત સરકારના અંદાજ પ્રમાણે હાલમાં ભારતમાં સેમી કન્ડક્ટરનું માર્કેટ 23 અબજ ડોલરનું છે જે 2028 સુધીમાં વધીને 80 અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા છે. રિલાયન્સ પાસે 200 અબજ ડોલરની માર્કેટ કેપિટલ છે અને તે સેમી કન્ડક્ટર બિઝનેસમાં પોતાને ટોચની કંપની તરીકે સ્થાપવાની ઈચ્છા ધરાવે છે.