મુકેશ અંબાણી ફરી એક વખત એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફેસબૂક સાથે થયેલી ડીલ તેમના માટે પોતાનો ખિતાબ પરત મેળવવા માટે મદદરૂપ સાબિત થઈ છે. તાજેતરમાં જ કોરોના સંકટના કારણે સ્ટોક્સમાં થઈ રહેલા ભારે ઘટાડા બાદ ચીનના જેક માએ મુકેશ અંબાણીનો એશિયાના સૌથી ધનવાન વ્ચક્તિનો ખિતાબ છીનલી લીધો હતો. જોકે ફરી એક વખત તેમણે પોતાનો ખિતાબ પરત મેળવી લીધો છે.
Bloomberg Billionaires Indexની નવી રેન્કિંગ પ્રમાણે દુનિયાભરના ધનવાનોની યાદીમાં મુકેશ અંબાણી 49.2 અબજ ડોલરની સંપત્તિ સાથે 17માં ક્રમાંક પર છે. તેમની સંપત્તિમાં એક દિવસમાં 4.69 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. બીજી તરફ અલીબાબા ગ્રુપના જેક મા 46 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 19માં ક્રમાંક પર પહોંચી ગયા છે. તેમની સંપત્તિમાં એક દિવસમાં 36 કરોડ ડોલરનો વધારો નોંધાયો છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ફેસબૂક સાથે થયેલી ભાગીદારીને ગણવામાં આવી રહી છે. બુધવારના રોજ RIL સ્ટોકમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ ગુરૂવારે પણ સ્ટોક ઉછાળો નોંધાઈને બંધ થયો હતો. ફેસબૂકે જિયો પ્લેટફોર્મમાં 10 ટકાની ભાગીદારીને 5.7 અબજ ડોલરમાં ખરીદવા જઈ રહ્યું છે.
દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં પહેલા સ્થાન પર જેફ બેજોસ છે. તેમજ ટોપ 100માં અન્ય ભારતીયોમાં અજીમ પ્રેમજી 14 અબજ ડોલરની સંપત્તિ સાથે 80માં ક્રમાંક પર છે. આ યાદીમાં એક તૃતિયાંશ જેટલા નામ અમેરિકન અબજપતિઓના જ છે. તેમજ 16 અબજપતિ ચીનના છે. ખાસ વાત તો એ છે કે મોટાભાગના અબજપતિઓ પર કોરોના વાયરસની મહામારીની અસર પડી છે. ટોપ 100માં સામેલ 78 અબજપતિ વર્ષ 2020માં અત્યાર સુધીમાં પોતાની સંપત્તિમાં કેટલુંક નુકશાન ભોગવી ચૂક્યા છે.