બિલિયોનેર બિઝનેસમેન મુકેશ અંબાણી 19 નવેમ્બરે નાના બન્યા હતા. મુકેશ અંબાણીના પુત્રી ઇશા અંબાણીએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. ઇશાના લગ્ન ઉદ્યોગપતિ અજય પિરામલ અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. ઇશાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો છે. પુત્રીનું નામ આદ્યા અને પુત્રનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું છે. આ સમાચારથી પિરામલ અને અંબાણી પરિવારમાં ખુશી છવાઇ છે.
અંબાણી પરિવારે એક અખબારી યાદી જારી કરીને આ ખુશી લોકો સાથે શેર કરી હતી. તેમણે જણાવ્યું છે કે અમને આ જણાવતાં આનંદ થાય છે કે અમારા સંતાનો ઇશા અને આનંદને 19 નવેમ્બર 2022એ ઇશ્વરે જોડિયાં બાળકોનો આશીર્વાદ આપ્યો છે. ઇશા અને બાળકો સ્વસ્થ છે. અમે આદ્યા, કૃષ્ણા, ઇશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વના તબક્કામાં તમારા આશીર્વાદ અને શુભકામના ઇચ્છીએ છીએ.
ઇશા અને આનંદના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. ઇશા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક માત્ર પુત્રી છે. ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં ઇશાને સ્થાન આપવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી 2020માં જ દાદા બની ગયા હતા. તેમના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ 10 ડિસેમ્બર, 2020ના રોજે પુત્રને જન્મ આપ્યો હતો. હવે મુકેશ અંબાણી નાના બની ગયા છે.
ઇશા અંબાણીના પતિ આનંદ પિરામલે પેન્સિલવેનિયા યુનિવર્સિટીથી ઈકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી હાંસલ કરી છે અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સની ડિગ્રી પણ હાંસલ કરી છે. ઇશાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી બેચલરની ડિગ્રી લીધી છે.