રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) ના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં એકવાર ફરી વધારો થયો છે અને આ સાથે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 5માં નંબરે પહોંચ્યા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ નેટવર્થ મુજબ મુકેશ અંબાણી 75 બિલિયન ડોલર(લગભગ 5.57 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ સાથે 5માં ક્રમાંકે પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સંપત્તિના મામલે મુકેશ અંબાણી હવે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ(89 બિલિયન ડોલર) ની નજીક પહોંચ્યા છે.
જો કે, હાલ બંનેની મિલકતમાં ઘણો તફાવત છે. આપને જણાવી દઈએ કે ફોર્બ્સ અબજોપતિઓની સંપત્તિઓનું આંકલન કરે છે. દુનિયાભરમાં શેરબજારની ઉથલ પાછલના કારણે ફોર્બ્સનો આંકડો પણ બદલાતો રહે છે.
ફોર્બ્સની યાદી મુજબ પહેલા સ્થાને એમેઝોનના જેફ બેઝોસ(185.8 બિલિયન ડોલર), બીજી ક્રમાંકે બિલ ગેટ્સ(113.1 બિલિયન ડોલર), ત્રીજા ક્રમાંકે એલવીએમએચના બર્નાર્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલી(112 બિલિયન ડોલર) અને ચોથા સ્થાને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ(89 બિલિયન ડોલર) છે.
જ્યારે 5માં સ્થાને મુકેશ અંબાણી હવે બર્કશાયર હેથવેના વારેન બફેટ 72.7 બિલિયન ડોલરથી પણ આગળ નીકળ્યા છે. વારેન બફેટ હાલ છઠ્ઠા ક્રમાંકે છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં રાઇટ્સ ઇશ્યૂ અને જિયો પ્લેટફોર્મ્સમાં સંયુક્ત રીતે રોકાણ અને બીપીના રોકાણના માધ્યમથી કુલ 2,12,809 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આનો ફાયદો કંપનીના શેરભાવ અને માર્કેટ કેપમાં પણ જોવા મળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપમાં ઝડપી વધારો થયો.