Reliance Jio Platforms to buy US company Mimosa for $60 million
. (ANI Photo)

વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સની 37 વાર્ષિક વિશ્વના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ 83.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિનું સ્થાન પરત મેળવી લીધું છે, જ્યારે ગૌતમ અદાણી મંગળવારે જારી કરાયેલા ‘બિલિયનેર ૨૦૨૩ લિસ્ટ’માં ૨૪મા ક્રમે સરક્યા હતા.

ફોર્બ્સે જણાવ્યું હતું કે, “૨૪ જાન્યુઆરીએ અદાણી ત્રીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા. તે વખતે તેમની સંપત્તિ લગભગ ૧૨૬ બિલિયન ડોલર હતી. જોકે, અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે તેમની કંપનીઓના શેરના ભાવ ગબડ્યા હતા.” અદાણીની નેટવર્થ અત્યારે ૪૭.૨ બિલિયન ડોલર છે અને અંબાણી પછી તે ભારતીય ધનકુબેરોની યાદીમાં બીજા ક્રમે છે.

વિશ્વના ‘બિલિયોનેર લિસ્ટ’માં ૮૩.૪ બિલિયન ડોલરની નેટવર્થ સાથે અંબાણી નવમા ક્રમે છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર “ગયા વર્ષે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦ અબજ ડોલરની આવકને વટાવી પહેલી ભારતીય કંપની બની હતી.”

ફોર્બ્સે જાહેર કરેલા વિશ્વના અબજપતિઓની યાદી અનુસાર દુનિયાના સૌથી ધનાઢ્ય ૨૫ લોકોની કુલ સંપત્તિ ૨.૧ ટ્રિલિયન ડોલર છે. તે ૨૦૨૨ના ૨.૩ ટ્રિલિયન ડોલરની તુલનામાં ૨૦૦ અબજ ડોલર ઘટી છે. ટોપ-૨૫ અબજપતિઓમાં જેફ બેઝોસની નેટવર્થમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. એમેઝોનના શેરમાં ૩૮ ટકાના ગાબડાને પગલે તેમની નેટવર્થ ૫૭ અબજ ડોલર ઘટી છે. તેને લીધે બેઝોસ વિશ્વના ધનકુબેરોમાં ત્રીજા ક્રમે સરક્યા છે. ફ્રાન્સના લક્ઝરી ગૂડ્ઝ કંપની LVMHના માલિક બર્નાર્ડ આર્નોલ્ટે ૨૧૧ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. મસ્ક ૧૮૦ અબજ ડોલર અને બેઝોસ ૧૧૪ અબજ ડોલરની નેટવર્થ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે.

LEAVE A REPLY