ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે સંકેત આપ્યો હતો કે 2021ના બીજા છ મહિનામાં ભારતમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં અફોર્ડેબલ અને દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે તેવી અલ્ટ્રા-હાઇ સ્પીડ 5G સર્વિસ લોન્ચ કરવા માટે નીતિવિષયક પગલાંની જરૂર છે.
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયોની 5G સર્વિસ સરકારના આત્મનિર્ભર ભારતનો પુરાવો હશે. 5G સર્વિસ ઉપરાંત જિયો ગૂગલ સાથે સહયોગમાં એફોર્ડેબલ એન્ડ્રોઇડ ફોન વિકસિત કરી રહી છે, જેને આગામી મહિનામાં બજારમાં મૂકવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ટેલિકોમ યુનિટ જિયો છેલ્લાં કેટલાંક સમયથી 5G માટે કામગીરી કરી રહ્યું છે. જિયો હાલમાં એલટીઇ એક્સક્લૂઝિવ નેટવર્ક ધરાવે છે. તેનાથી એરટેલ કે વોડાફોન આઇડિયા (Vi)ની સરખામણીમાં તે ઝડપથી નેક્સ્ટ જનરેશન સેલ્યુલર સર્વિસમાં તેના નેટવર્કને તબદિલ કરી શકે તેમ છે.
અંબાણીએ ચાર વર્ષ પહેલા ટેલિકોમ સાહસ જિયો ચાલુ કર્યું હતું હતું અને હાલમાં તે નંબર વન છે. મુકેશ અંબાણીએ ભારતમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ મહત્ત્વના ક્ષેત્રમાં ભારત આયાત પર નિર્ભર રહી શકે નહીં. જિયોની 5G સર્વિસ સ્વદેશી ધોરણે વિકસિત નેટવર્ક, હાર્ડવેર અને ટેકનોલોજી આધારિત હશે.
તેમણે જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે જિયો 2021ના બીજા છ મહિનામાં 5G ક્રાંતિની જનક બનશે. હાલમાં જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા ભારતમાં ફોરજી સર્વિસિસ ઓફર કરે છે. ભારતમાં હાલ એક બિલિયન ફોન યુઝર્સ છે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે હું વિશ્વાસપૂર્વક કહું છું કે 5Gથી ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં માત્ર સામેલ જ નહીં થાય પરંતુ તેની આગેવાની લેશે. અર્થતંત્રને ડિજિટલાઇઝેશનથી ડિજિટલ હાર્ડવેરની માગમાં જંગી વધારો થશે. ભારત આગામી સમયગાળામાં સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીનું હબ બની શકે છે.