ગુજરાતના બે બિલિયોનેર્સ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે એશિયાના સૌથી ધનિક બનવાની સ્પર્ધા ચાલતી હોય તેવું લાગે છે. હવે અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીને પાછળ રાખીને રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી એશિયાના નંબર વન ધનિક બન્યા છે.
બ્લૂમબર્ગના શુક્રવાર, 3 જૂનના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ 99.7 બિલિયન ડોલર થઈ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 98.7 બિલિયન ડોલર થઈ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલા ઉછાળા અને અદાણી જૂથના શેરોમાં થયેલા ઘટાડાના કારણે એશિયાના સૌથી મોટા અબજપતિઓના સ્થાન અદલાબદલી થઈ ગયા છે. મુકેશ અંબાણી હવે સમગ્ર એશિયામાં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે જ્યારે ગૌતમ અદાણી બીજા ક્રમે આવી ગયા છે.રિલાયન્સના શેરમાં છેલ્લા બે અઠવાડિયામાં 14 ટકાનો વધારો થયો છે જ્યારે અદાણી જૂથના શેરો ઘટ્યા છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનર્સ લિસ્ટ પ્રમાણે મુકેશ અંબાણી સમગ્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. તેમની સંપત્તિ 6.21 ટકા અથવા 6.1 અબજ ડોલરનો વધારો થયો છે અને 104.3 અબજ ડોલર થઈ છે. દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ 0.66 ટકા વધીને 99.9 અબજ ડોલર થઈ છે અને તેઓ સમગ્ર વિશ્વમાં નવમા ક્રમે છે.ગૌતમ અદાણીએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તેમની નેટવર્થ સતત વધતી જાય છે. હાલમાં અદાણી જૂથ તેના FMCG બિઝનેસને વધારે શક્તિશાળી બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે.
માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફા (RIL Profit)માં 22.50 ટકાનો વધારો નોંધાવ્યો હતો અને તેનો ચોખ્ખો નફો વધીને રૂ. 16203 કરોડ થયો હતો. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 13,227 કરોડ હતો.