એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાના અંદાજે $208 બિલિયનના બિઝનેસ સામ્રાજ્યના ઉત્તરાધિકારી નિશ્ચિત કરવાની યોજના તૈયાર કરી રહ્યા હોવાનો તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે 64 વર્ષના મુકેશ અંબાણી વિશ્વના ધનિક પરિવારોએ પોતાના સંતાનોમાં બિઝનેસની કરેલી વહેંચણીના મોડલનો અભ્યાસ કરી રહ્યાં છે.
અંબાણીને વોલ્ટમાર્કના વોટ્સન પરિવારનું મોડલ વધુ પસંદ આવ્યું હોવાનું માનવામાં આવે છે. મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ તથા પુત્રી ઈશા અંબાણી રિટેલ તથા ટેલિકોમ જેવી કંપનીઓના ડિરેક્ટર હોદ્દા સાથે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને અનંત અંબાણી જિઓ પ્લેટફોર્મ્સમાં ડિરેક્ટર છે.
ક્રૂડ ઓઇલથી લઈને ટેલિકોમ ક્ષેત્રમાં ફેલાયેલા પોતાના કારોબાર માટે ઉત્તરાધિકારીની પસંદગી સંદર્ભમાં મુકેશ અંબાણી વોલ્ટન પરિવારની રાહે ચાલવાનું પસંદ કરશે. અહીં ઉલ્લેખનિય છે, કે રિટેલ ચેઈન વોલમાર્ટ ઈન્કના સ્થાપક સૈમ વોલ્ટને ઉત્તરાધિકારીનું સારો દાખલો બેસાડયો છે. જેમાં તેમણે પરિવારને કેન્દ્રમાં રાખી મેનેજમેન્ટ કન્ટ્રોલ અલગઅલગ હાથોમાં સોંપવાની નીતિ અપનાવી છે.
મુકેશ અંબાણીએ હજુ સુધી પોતાના ઉત્તરાધિકારી માટે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ કંપનીના વર્તમાન કામકાજ પરથી એવા સંકેત મળી રહ્યા છે કે, મુકેશ અંબાણી સક્રિય રીતે ઉત્તરાધિકારીની યોજના તૈયાર કરી રહ્યા છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે. ચાલુ વર્ષના જુનમાં રિલાયન્સ ઈન્ડ.ની એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ એવા સંકેત આપ્યા હતા કે, તેમના બાળકો હવે પોતાના વેપાર સામ્રાજ્યમાં મુખ્ય કામગીરી સંભાળતા થશે.