ભારતના શેરબજારમાં સોમવારે ભારે ઘટાડાને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ટોચના ધનિકોની યાદીમાંથી એક-એક સ્થાન નીચે આવી ગયા હતા.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ અંબાણી 71.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 13માં સ્થાન પર આવી ગયા હતા. અદાણી 55.3 બિલિયન ડોલર સાથે 23માં ક્રમે નીચે આવી ગયા હતા. દેશની સૌથી મોટી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં સોમવારે 1.63 ટકાનો ઘડાકો થયો. આનાથી મુકેશ અંબાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 1.42 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 5.16 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે.
સપ્ટેમ્બર 2020ના રોજ અંબાણીની સંપત્તિ 90 બિલિયન ડોલર થઈ હતી અને તે વિશ્વના ધનિકોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયા હતા. પરંતુ આ પછી કંપનીના શેરમાં ઘટાડાને કારણે અંબાણી ટોપ 10માંથી બહાર થઈ ગયા.
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી પણ 23માં સ્થાન પર આવી ગયા હતા. સોમવારે શેર માર્કેટમાં ઘટાડાથી તેમની નેટવર્થમાં 1.43 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો હતો. આમ તો આ વર્ષ કમાણીના મામલે તે દુનિયાના કેટલાય અમીરો પર ભારે પડ્યા છે, આ વર્ષ તેમની નેટવર્થ 21.6 બિલિયન ડોલર વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર અમેઝોનના જેક બેઝૉસ દુનિયાના સૌથી અમિર છે. તેમની નેટવર્થ 197 બિલિયન ડોલરનો છે.