ઇસ્ટ લંડનના ટાવર હેમલેટ્સમાં રહેતી એક યુવતીનું તેણી માત્ર આઠ વર્ષની હતી ત્યારથી યૌન શોષણ શરૂ કરનાર બેલેન્સ સ્ટ્રીટ, બાથના 51 વર્ષના મુહમ્મદ તાલુકદારને 31 મેના રોજ સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
1998માં પીડિતાનું યૌન શોષણ શરૂ કરનાર તાલુકદાર બાબાતે મેટ પોલીસના નિષ્ણાત અધિકારીઓએ 2020માં તપાસ શરૂ કરી હતી. તપાસને મજબૂત કરવામાં મદદ કરવા માટે કોઈ ડીએનએ પુરાવા અથવા તાજેતરના સાક્ષીઓ ન હોવા છતાં, અધિકારીઓએ પીડિતાના મિત્રો અને પરિવારજનો સાથે વ્યાપક મુલાકાતો હાથ ધરી શોષણની હદ બતાવવા માટે વિગતવાર તબીબી રેકોર્ડ્સ એકત્રિત કર્યા હતા. પીડિતાએ તેના કાઉન્સેલિંગ સેશનની નોંધો શેર કરવાની પરવાનગી આપ્યા બાદ તપાસને અંતે તાલુકદારને માર્ચ 2024માં સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટમાં બળાત્કારના ત્રણ ગુના અને જાતીય હુમલાના ચાર ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.
તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ કોન્સ્ટેબલ પોલ હોથોર્ને કહ્યું, “હું આ તપાસ દરમિયાન પીડિતાની બહાદુરી અને તાકાતની પ્રશંસા કરવા માંગુ છું. હું આશા રાખું છું કે આ કિસ્સો અન્ય લોકો માટે પ્રેરણા તરીકે કામ કરશે જેઓ આ પ્રકારના ઘૃણાસ્પદ શોષણ સામે બોલવામાં ડરતા હોય છે. અમે મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા અને જાતીય હિંસા નાબૂદ કરવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે તાલુકદાર જેવા ખતરનાક શિકારીઓ સામે કેસ બનાવવાનું ચાલુ રાખીશું. જે લોકો ગમે તેટલા સમય પહેલા દુર્વ્યવહારનો ભોગ બન્યા હોય તેમણે કૃપા કરીને પોલીસનો સંપર્ક કરવો જોઇએ.”
સંખ્યાબંધ એજન્સીઓ અને સખાવતી સંસ્થાઓ પાસેથી સહાય મેળવી શકાય છે, જે માટેના ટેલિફોન નંબર મુજબ છે.
- બાળપણમાં દુર્વ્યવહાર કરાયો હોય ત્યારે NAPAC હેલ્પલાઇન: 0808 801 0331.
- બળાત્કાર સંકટ 080 8500 2222
- ચાઈલ્ડલાઈન 0800 1111
- બળાત્કાર અને જાતીય શોષણ માટેની હેલ્પલાઇન 0808 802 9999
- સર્વાઈવર્સ યુકે 0203 598 3898 અને ઇમેઇલ [email protected].
- સમારિટન્સ 116 123 અને ઇમેઇલ [email protected]
આ પ્રકારના ગુનાઓની જાણ ઓનલાઈન અથવા ટેલિફોન 101 કે 999 પર કે પોલીસને રૂબરૂમાં કરી શકાય છે.