ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ભારતના ગુજરાચ સહિતના કેટલાંક રાજ્યોમાં મ્યુકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ નામની નવી બિમારીએ આફત ઊભી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં આ બીમારીની અસર વધારે જણાઈ રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે, આ બીમારીમાં લગભગ 50 ટકા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આ બિમારીની સારવારમાં વપરાતી દવાની અછત ઊભી થઈ છે. કોરોનાનાથી રિકવર થઈ રહેલા અથવા રિકવર થઈ ગયેલા લોકોમાં આ બિમારીના વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ભારત સરકારે આ બિમારીની દવાના ઉત્પાદનમાં વધારો કરવાની તૈયારી ચાલુ કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાંક રાજયોમાં એમ્ફોટેરિસિન-બી નામની દવાની માગમાં અચાનક ઉછાળો આવ્યો છે. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં આ દવાનો ઉપયોગ થાય છે. આ દવાના વધુ ઉત્પાદન અને વધારાના આયાત સાથે સપ્લાયમાં વધારો થવાની ધારણા છે.
મહારાષ્ટ્રમાં હાલ મ્યુકરમાઈકોસિસના આશરે 2,000થી પણ વધારે એક્ટિવ કેસ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, રાજ્યમાં જેમ-જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે જ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ કારણે સરકારે જરૂરી પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા હતા.. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
મ્યુકરમાઈકોસિસના લક્ષણોમાં એક બ્લેક ફંગસ પણ છે જેના કારણે 50 ટકા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. તે સિવાય માથામાં દુખાવો, તાવ, આંખ-નાકમાં જોરદાર દુખાવો અને આંખોની રોશની જતી રહેવી પણ તેના લક્ષણો છે.