ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ભારત સરકારે બુધવારે આગામી રવી સીઝન 2022-23 માટે વિવિધ કૃષિ પાકોના ટેકાના લઘુત્તમ ભાવ (એમએસપી)માં વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
સરકાર દ્વારા ઘઉં, મસૂર, ચણા સહિતના વિવિધ શિયાળુ કૃષિ પાકોના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ થી 35થી 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. એમએસપીમાં વૃદ્ધિથી ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વાજબી અને પોષણ ભાવ મળશે. આગામી રવી સીઝન માટે મુખ્ય પાક ઘઉંનો ટેકાનો ભાવ 40 રૂપિયા વધારીને 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. તેવી જ રીતે ચણાની એમએસપી 130 રૂપિયા વધારીને 5230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મસૂરની 400 રૂપિયા વધારી 5500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે.
એમએસપીમાં વૃદ્ધિથી ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વાજબી અને પોષણ ભાવ મળશે. બુધવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા અને નિર્ણયો લેવામાં આવ્યા છે.
જવના ટેકાના ભાવમાં સૌથી ઓછો 35 રૂપિયા અને સરસવ- મસૂરમાં સૌથી વધુ 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રવી પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એવા સમયે વધારવામાં આવ્યા છે જ્યારે ખેડૂતો નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.