ઇન્ટરનેશનલ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) દિવસ નિમિત્તે, ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી CMSME દ્વારા હિન્દુજા ગ્રુપના સહ-અધ્યક્ષ, શ્રી જી.પી. હિન્દુજાના એક્સક્લુઝીવ વક્તવ્ય – વેબિનારનું આયોજન રવિવાર તા. 27 જૂન 2021ના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું.
શ્રી જી. પી. હિન્દુજાએ હાલની વૈશ્વિક પરિસ્થિતીમાં ભારતીય માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની સંભાવના વિશે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું હતું કે ‘’માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એ અર્થતંત્રની કરોડરજ્જુ છે. એમએસએમઇને ધ્યાનમાં રાખીને જ, વેબસાઇટ્સ પરની સામગ્રી સ્થાનિક ભાષામાં વિકસિત થવી જોઈએ. જો મહિલાઓને પુરુષો જેટલી જ સમોવડી ગણવામાં આવે તો અર્થતંત્રમાં 50 ટકાનો સુધારો થશે. મહિલાઓની પ્રતિભા અને પ્રતિબદ્ધતા માની ન શકાય તેવાં છે. જે લોકો પાસે વ્યવહારિક અનુભવ છે તેવા ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા સલાહકાર તરીકે લેવા જોઈએ.”
શ્રી હિન્દુજાએ જણાવ્યું હતું કે “હું મારી માતૃભૂમિ ભારતમાં ખાસ કરીને ગરીબીને ઘટાડવામાં મદદ કરવા માટે જરૂર હોય ત્યાં ટેકો આપતા વધુ ખુશ થઈશ. માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝનો મુખ્ય સંદેશ સમાજને પાછુ આપવાનો, સ્થાનિક સ્તરે કાર્ય કરવાનો પણ વિચારો વૈશ્વિક રાખવાનો અને બિઝનેસમાં એક જ ઉભી ધરી પર ધ્યાન કેન્દ્રિત નહીં કરવાનો છે.’’
આ ઓનલાઇન વાર્તાલાપનું સંચાલન કોમવિઝન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીમતી હરજિન્દર કૌર તલવાર દ્વારા કરવામાં આવ્યું હતું.