નોર્ધર્ન ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરના શહેર વેકફિલ્ડનું પ્રતિનિધિત્વ કરતા 47 વર્ષના એમપી ઇમરાન અહમદ ખાને 15 વર્ષના છોકરાના જાતીય શોષણ માટે દોષિત ઠર્યા બાદ સંસદમાંથી એમપી તરીકે રાજીનામું આપ્યું છે. બીજી તરફ ખાન પર અન્ય એક કિશોરનું શોષણ કરવા માટે લલચાવવાનો આક્ષેપ કરાયો છે. ખાનને પછીથી સજા કરવામાં આવશે.
ખાને ટ્વીટર પર કહ્યું હતું કે “મારું નામ સાફ કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાજીનામું આપુ છું. કાયદાકીય પ્રક્રિયામાં લાંબા વિલંબને કારણે, મારા મતદારો પહેલેથી જ એક વર્ષથી સંસદીય પ્રતિનિધિત્વ વિના રહ્યા છે. જેને પરિણામે હું વેકફિલ્ડના સાંસદ તરીકે રાજીનામું આપી રહ્યો છું અને રાજકીય જીવનમાંથી ખસી રહ્યો છું.”
કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી કાઢી મુકાયેલા ખાનને 2008માં એક પાર્ટીમાં એક કિશોરને જિન પીવા માટે દબાણ કર્યા બાદ તેના પર જાતીય હુમલો કરવા બદલ દોષિત ઠેરવાયા હતા.
ભોગ બનેલા યુવાને કોર્ટને કહ્યું હતું કે ખાને તેના પગને ધીમેથી દબાવતા તે “ભયભીત, નિર્બળ અને સુન્ન” થઇ ગયો હતો. મેં આ અંગે 2019ની ચૂંટણીના દિવસો પહેલા કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રેસ ઓફિસે ગયો હતો. જો કે મને બહુ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો.”
બીજી તરફ કથીત રીતે એન્ડ્રુ તરીકે ઓળખાતા આ કિશોરે ધ ગાર્ડિયન સમક્ષ દાવો કર્યો હતો તે 15 વર્ષનો હતો ત્યારે ઓગસ્ટ 2015માં સફોકમાં જન્મદિવસની પાર્ટીમાં ખાને તેને ઓરલ સેક્સ કરવાની અને તેને હોટલના રૂમમાં લઈ જવાની ઓફર કરી હતી જ્યાં તેઓ કોકેન લઈ શકે અને સેક્સ વર્કર રાખી શકે. એવું કહેવાય છે કે ખાને “શા માટે આપણે હેંગ આઉટ અને થોડી મજા ન કરીએ?” પછી તેણે એક હોટેલ બુક કરવાની ઓફર કરી હતી જ્યાં તેઓ “ઘણું બધું કોકેઈન અને વેશ્યા ખરીદી શકે અને આખું વિકેન્ડ સેક્સ કરી શકીશું.”
એન્ડ્રુએ દાવો કર્યો હતો કે ખાને તેને તેની જાતિયતા વિશે પૂછ્યું હતું. એન્ડ્રુએ તેની માતાને કહેતા તેણીએ અને તેના પાર્ટનરે ખાનને પોતાના પુત્રથી દૂર રહેવા ચેતવણી આપી હતી. ખાનના વકીલોએ એન્ડ્રુના આરોપો પર ટિપ્પણી ન કરવાની ખાનને સલાહ આપી છે.
કન્ઝર્વેટિવના 2019ના લેન્ડસ્લાઇડ વિજય વખતે ખાને આ બેઠક જીતી હતી અને હવે યોજાનારી પેટાચૂંટણીમાં ભૂતપૂર્વ લેબર હાર્ટલેન્ડ્સમાં કહેવાતી “રેડ વોલ” બેઠકો પર કબજો કરવાની ટોરી પાર્ટીની તકોની કસોટી થશે. આ ઉપરાંત બોરિસ જૉન્સનની ડાઉનીંગ સ્ટ્રીટ પાર્ટીઓ થકી કેટલું નુકસાન થયું છે તે પણ પેટા ચૂંટણી વખતે નક્કી કરાશે. બીજી તરફ લેબર નેતા સર કેર સ્ટાર્મર પરંપરાગત લેબર ક્ષેત્રોમાં સમર્થન જીતી રહ્યા છે કે કેમ તે પણ બહાર આવશે. જો કે તાજેતરના વલણો આ બેઠક લેબરની પકડમાં જશે એમ માને છે.
ખાને આ બેઠક 3,358 મતોની બહુમતીથી જીતી હતી. જો કે વેકફિલ્ડની આ બેઠક 1932થી સતત લેબર જીતતું આવ્યું છે.