સસ્પેન્ડેડ કન્ઝર્વેટિવ સાંસદ ઈમરાન અહમદ ખાનને 2008માં સ્ટેફોર્ડશાયરના એક મકાનમાં એક હાઉસ પાર્ટીમાં 15 વર્ષની વયના તરૂણનું જાતીય શોષણ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટમાં જણાવાયું હતું કે ઇમરાન ખાન કિશોરને ઉપરના માળે ખેંચી ગયો હતો અને તેને જિન અને ટોનિક પીવા માટે દબાણ કરી પોર્નોગ્રાફી જોવાનું કહ્યું હતું અને પલંગ પર ધકેલી દઇ જાતીય હુમલો કર્યો હતો.
48 વર્ષીય ઇમરાન ખાન ડિસેમ્બર 2019ની સામાન્ય ચૂંટણીમાં વેસ્ટ યોર્કશાયરના વેકફિલ્ડ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સર કેર સ્ટાર્મરની લેબર પાર્ટીએ ચુકાદા બાદ ખાનને તાત્કાલિક રાજીનામું આપવા હાકલ કરી હતી.
ભોગ બનેલા યુવાને જ્યુરીને કહ્યું હતું કે ‘’ખાને મારા પગ અને અંગત ભાગને સ્પર્શ કરતા આઘાત લાગ્યો હતો. તે નશામાં હતો કારણ કે હું તેનો ભારે શ્વાસ સાંભળી શકતો હતો. મેં સાંસદને રોકાવાનું કહ્યું હતું પણ તેમ છતાં તેઓ રોકાયા ન હતા. હું ગભરાઈને પથારીમાંથી કૂદીને શક્ય તેટલી ઝડપથી દોડ્યો હતો.’
છોકરાના 18 વર્ષના ભાઇએ જજીસને કહ્યું હતું કે તે પણ ‘હુમલા’નો ભોગ બન્યો હતો.
સધર્ક ક્રાઉન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 2019ની સામાન્ય ચૂંટણીમાં ખાન ચૂંટાયા તેના દિવસો પહેલા યુવાને કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રેસ ઓફિસમાં આરોપ મૂક્યો હતો પણ તેને ‘ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો’. જેને પગલે ભોગ બનેલ યુવાને પોલીસમાં ફરિયાદ કરી હતી. પરંતુ યુવાન ઔપચારિક ફરિયાદ કરવા માંગતો ન હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે ખાન 2019ની ચૂંટણીમાં ઉભા છે ત્યારે તેણે ફરિયાદ કરી હતી.
ગે અને મુસ્લિમ એવા ખાને જાતીય હુમલાનો ઇનકાર કરી દાવો કર્યો હતો કે તેણે કિશોરની કોણીને સ્પર્શ કર્યો હતો.
લગભગ પાંચ કલાકની ચર્ચા બાદ જ્યુરી દ્વારા ખાનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જજ જસ્ટિસ બેકરે કહ્યું હતું કે તેઓ ખાનને પછીની તારીખે સજા કરશે. જો ખાનને એક વર્ષથી વધુની જેલની સજા થશે તો તેને હાઉસ ઓફ કોમન્સમાંથી બહાર ફેંકી દેવામાં આવશે.
જજે ખાનને જામીન પર મુક્ત કરતાં કહ્યું હતું કે ‘તમે યૌન શોષણના આ ગુના માટે જ્યુરી દ્વારા દોષિત ઠર્યા છો અને તમારે યોગ્ય સમયે સજા ભોગવવી પડશે. તાત્કાલિક કસ્ટડી સહિત સજાના તમામ વિકલ્પો પર કોર્ટ વિચારણા કરી રહી છે.’
કાનૂની દલીલ દરમિયાન, પ્રોસીક્યુટર સીન લાર્કિન ક્યુસીએ કહ્યું હતું કે ‘’ખાન પર પાકિસ્તાનના ગેસ્ટહાઉસમાં એક વ્યક્તિ પર જાતીય હુમલાનો આરોપ છે. તે સમયે ખાન ફોરેન ઓફિસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. કથિત 20ના દાયકાના યુવાનને ખાને ઊંઘની ગોળી આપી તેના પર સેક્સ કૃત્ય કર્યું હતું. તે યુવાને જજીસને કહ્યું હતું કે નવેમ્બર 2010ની ઘટનાની જાણ બ્રિટિશ હાઈ કમિશન અને ફોરેન ઑફિસને કરી હતી, પરંતુ સૈન્ય અને સરકારમાં ખાનના ‘શક્તિશાળી જોડાણો’ને કારણે તે પાકિસ્તાનમાં પોલીસ પાસે જવા માંગતો ન હતો. ખાન પર જાતીય હુમલાનો આરોપ મૂકાયા બાદ તે સાક્ષી તરીકે આગળ આવ્યો હતો. ખાને દાવો કર્યો હતો કે તે જાતીય પ્રવૃત્તિ સહમતિથી થઈ હતી.