બ્રેન્ટ સેન્ટ્રલના લેબર એમપી અને ભૂતપૂર્વ શેડો ઇક્વાલીટી મિનીસ્ટર ડૉન બટલર તેમના એક મિત્ર સાથે બપોરે સન્ડે લંચ માટે કારમાં ઇસ્ટ લંડનના હેકની વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા પોલીસ સામે સંસ્થાકીય જાતિવાદી હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. જોકે પોલીસે પાછળથી સ્વીકાર્યું હતું કે તેમણે ભૂલ કરી હતી.
પોલીસની સ્ટોપ એન્ડ સર્ચ રણનીતિના આકરા ટીકાકાર બટલરે જણાવ્યું હતું કે ‘’કાર તેમના જેવા જ શ્યામ મિત્ર દ્વારા ચલાવવામાં આવતી હતી. પોલીસની બે કારે તેમને આંતરીને ઉભા રાખ્યા હતા. પોલીસે BMW કારની ચાવી લઇ તેના રજીસ્ટ્રેશનની તપાસ કર્યા બાદ પોલીસ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે તેમની ભૂલ થઈ હતી અને તે બદલ પોલીસે તુરંત જ માફી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વાહન નોર્થ યોર્કશાયરમાં નોંધાયેલું છે.
મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘’એક અધિકારીએ શરૂઆતમાં કમ્પ્યુટર સિસ્ટમમાં રજીસ્ટ્રેશન નંબર ખોટી રીતે દાખલ કર્યો હતો, અને એમપી કે તેમના મિત્રની અંગજડતી કરવામાં આવી નહતી. પોલીસ બટલરને અત્યાર સુધીમાં ત્રણ વખત રોકી ચૂકી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે તેમના મિત્રોને નિયમિત રૂપે રોકવામાં આવે છે.
આ ઘટનાએ પોલીસિંગના ક્ષેત્ર પર નવું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને લંડનમાં. વિવેચકો નિયમિતપણે કહે છે કે પોલીસ રેસીસ્ટ છે અને શ્યામ અને લઘુમતી વંશીય લોકોને તે રોકે છે અને સર્ચ કરવામાં આવે છે. લોકોને ચિંતા છે કે કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન તેને વધારી દેવામાં આવ્યું છે.
ગયા મહિને બહાર આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લંડનમાં 20,000થી વધુ વખત શ્યામ યુવાનોને રોકીને તપાસ કરવામાં આવી હતી. જે રાજધાનીમાં વસતા 15થી 24 વર્ષની વયના કુલ શ્યામ યુવાનોના ચોથા ભાગ જેટલી છે. 2018-19માં સમગ્ર ઇંગ્લેન્ડમાં શ્વેત લોકોને રોકીને તપાસ કરવાનો દર 1000 વ્યક્તિએ 4નો હતો. જ્યારે આ જ દર શ્યામ વ્યક્તિઓ માટે 1,000એ 38નો હતો.
બટલરે કહ્યું હતું કે ‘’કાર રજીસેટ્રેશનની કામગીરી કરનાર અધિકારીના વ્યવહારથી તેઓ ખુશ હતા અને તે જોતા તેમણે ફરિયાદ કરી ન હોત. પરંતુ સામેલ બે અન્ય પોલીસનો અભિગમ સારો ન હતો.’’ તેમાંથી એકે બટલરને પૂછ્યું હતું કે તેણી ક્યાં રહે છે અને ક્યાં જઇ રહી છે.
અન્ય એક મહિલા અધિકારીએ કહ્યું હતું કે ‘’કારની ટીન્ટેડ રીઅર વિંડોઝ ગેરકાયદેસર હોઈ શકે છે’’ એમ કહીને પરિસ્થિતિને ઉશ્કેરી હતી. જો કે કાયદા મુજબ વિન્ડસ્ક્રીન અને ફ્રન્ટ વિંડોઝને ટિંટિંગ કરી શકાતી નથી.
બટલરે પોતાના ફોન પર આ ઘટનાનુ વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જેમાં તેઓ બોલતા સંભળાય છે કે “જો હું આ વિશે વાત કરવા માટે મારા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરું તો આમ ખોટી રીતે સ્ટોપ એન્ડ સર્ચ કરાનાર દરેક લોકોની સેવા નહિં કરી શકું. જે દરેક શ્યામ લોકોને પ્રોફાઇલ કરવામાં આવે છે. આ ખરેખર ખૂબ જ તકલીફજનક છે. એવું લાગે છે કે રવિવારની બપોર પછી શ્યામ લોકો વાહન ચલાવી શકતા નથી કે આનંદ માણી શકતા નથી. કારણ કે પોલીસ દ્વારા તમને અટકાવવામાં આવશે.” તે વખતે એક અધિકારીએ તેમને કહ્યું હતું કે “તમે જે કહો છો તેની હું પ્રશંસા કરું છું અને તમારો સમય બગાડવા બદલ હું માફી માંગું છું.”