લંડનના નોર્થ બ્રેન્ટના એમપી બેરી ગાર્ડિનર ગયા સપ્તાહે ઈન્ડિયા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દિ મહોત્સવની, ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની તેમજ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. હેરોના એમપી બોબ બ્લેકમેન પણ તેમની સાથે હતા.
જન્મ શતાબ્દિ મહોત્ત્સવની મુલાકાત વેળાએ બેરી ગાર્ડિનરે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વને જોઇને તેનું મૂલ્ય આંક્યું નથી. તેમના માટે દરેક વ્યક્તિ મૂલ્યવાન હતી કારણ કે તે મનુષ્ય હતા. ભગવાન માટે જીવન મૂલ્યવાન છે. જે લોકો જ્યારે પણ પ્રમુખસ્વામી મહારાજને મળ્યા છે તેઓ જાણતા હશે કે, તેમની આંખોથી તેઓ તમારા હૃદયમાં, તમારા આત્મામાં જોતા હોય તેવું લાગતું હતું. તેમને મળીને કોઇ અસ્વસ્થતા નહોતું અનુભવતું. મને ખાતરી છે કે જે આપણે છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ બધી ભૂલો, બધી સ્વાર્થવૃત્તિઓ તેમણે જોઈ હશે પરંતુ તેઓ તેને શોધતા નહોતા. તે આપણામાં માનવતા માટે સારી બાબતો શોધી રહેતા હતા, કારણ કે તેઓ જાણતા હતા અને માનતા હતા કે, તે ત્યાં છે જ- ભલે તે નાનું હોય કે પછી ભલે આપણે તેને આપણાથી જ છુપાવ્યું હોય. “ગઈકાલે, હું ગાંધીનગરમાં અક્ષરધામની મુલાકાતે ગયો હતો જ્યાં એક સજ્જને મને જણાવ્યું હતું કે, 30 વર્ષ અગાઉ પ્રમુખસ્વામી મહારાજે તેમને જીવવા માટે એક નિયમ આપ્યો હતો જેનો અનુવાદ એવી રીતે કરી શકાય છે કે, ‘જે સારી બાબત છે તે હું મારી જાતે બનાવું છું.‘ પરંતુ તેનો સાચો અર્થ એ છે કે, જે પણ વસ્તુઓ સાચી છે, જે પણ બાબતો ન્યાયી છે, જે પણ વસ્તુઓ શુદ્ધ છે, જે પણ બાબતો ઉમદા છે, જે પણ બાબતો યોગ્ય છે, તેના પર વિચાર કરો અને તેની આસપાસ તમારા જીવનનું નિર્માણ કરો. એક એવું જીવન જે ભૌતિક સંપત્તિ પર નહીં, પરંતુ સારપ, સુંદરતા, યોગ્યતા પર કેન્દ્રિત છે – પ્રમુખસ્વામી મહારાજનું જીવન એવું જ હતું. તેઓ આપણને દરેકને તેવું જીવન બનાવવા માટે સતત પ્રેરણા આપતા રહે એવી અભ્યર્થના.”
હેરો ઇસ્ટના એમપી, પદ્મશ્રી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, “આપણે આજે પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી ઉજવીએ છીએ, ત્યારે આપણને તેમના શબ્દો યાદ આવે છે, ‘બીજાની ખુશીમાં આપણી પોતાની ખુશી રહેલી છે.‘ આ આઠ સરળ શબ્દો એ વ્યક્તિના વ્યક્તિત્વનો ભાવાર્થ આપે છે, જેમણે આખા વિશ્વને આવો ભક્તિભાવ અને સમર્પણ આપ્યું. તેમનો પૃથ્વી પરનો સમય સમાપ્ત થઈ ગયો હોવા છતાં તેમની ભાવના અનંતકાળ સુધી યથાવત છે. તેમણે 1,125 ભવ્ય મંદિરો અને લાખો ભક્તો સાથેનો કાયમી વારસો આપ્યો છે, જેમાંથી દરેક તેમના જુસ્સા અને તેમના સંદેશ સાથે જીવન જીવે છે.
આ કાયમી વારસો આપણે બધા આ પૃથ્વી છોડી ગયા પછી પણ લાંબા સમય સુધી જળવાયેલો રહેશે. હું BAPSના તમામ સ્વયંસેવકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું કે, જેઓ યુકેમાં સારા કાર્યો કરે છે, પછી ભલે તે શિક્ષણ હોય કે સ્વૈચ્છિક સેવા આપવાની હોય. દરેક BAPS સ્વયંસેવકની સૌથી મોટી વાત એ છે કે તમે દેશની સૌથી મહત્વની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ અથવા વિનમ્ર કર્મચારી બની શકો, પરંતુ મંદિરમાં દરેક વ્યક્તિ સમાન છે, અને દરેક વ્યક્તિ નોકરી કરવા માટે જરૂરી કાર્યો કરે છે.”