આફ્રિકાના પૂર્વમાં આવેલા દેશ મોઝામ્બિકમાં ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓએ કાબો ડેલગાડો પ્રાંતમાં છેલ્લાં કેટલાંક દિવસમાં હુમલા કરીને 50થી વધુ લોકોના શિરચ્છેદ કર્યાં હતા, એમ સોમવારે પોલીસે જણાવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ (યુએન)એ ગ્રામલોકોની નિર્મમ હત્યા તથા બાળકો અને મહિલાના શિરચ્છેદની ઘટનાની તપાસ કરવા મોઝામ્બિક સરકારને અનુરોધ કર્યો છે.
સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે ત્રણેક દિવસથી ચાલી રહેલા સંઘર્ષમાં ત્રાસવાદીઓએ 50થી વધારે નાગરિકોના માથા કાપી નાખ્યાં છે. મોઝામ્બિકમાં 2017થી ઈસ્લામિક સ્ટેટ (આઈસિસ)નો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર છેડે આવેલા કાબો ડેલ્ગાડો પ્રાંતમાં આતંકીઓની સંખ્યા વધતી જાય છે.
ફૂટબોલ મેદાનમાં લોકોને એકઠા કરીને આતંકીઓએ તેમના સર કલમ કર્યા હતા. આ વિસ્તારમાં 2017થી આજ સુધીમાં આ રીતે 2 હજાર નાગરિકોની હત્યા થઈ છે.. આતંકીઓના ત્રાસથી 4.30 લાખ નાગરિકો ઘર-બાર છોડીને ભાગી છૂટયા છે.
આ વિસ્તારમાં ગેસનો મોટો ભંડાર છે. કિંમતી પથ્થર રૂબી પણ અહીંની ધરતીમાં થાય છે. તેના પર કબજો જમાવવા આતંકીઓ આ કાયરતાપૂર્ણ કૃત્ય કરી રહ્યાં છે. નજરે જોનારાઓએ કહ્યુ હતું કે આતંકીઓએ મારી નાખવા ઉપરાંત ઘરો પણ સગળાવી દીધા હતા. હુમલા વખતે આતંકીઓ મહિલા કે બાળકોને પણ છોડતા નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે લાશોને એવી રીતે કાપી નાખવામાં આવે છે કે તેમની ગણતરી કરવી પણ મુશ્કેલ થઈ પડે છે.