ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર આવી સિસ્ટમની શક્યતાનો અભ્યાસ કરશે.
પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની પાટીદાર સમુદાયના અમુક વર્ગોની માગણીના જવાબમાં મુખ્યપ્રધાને આ ટીપ્પણી કરી હતી. પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સરદાર પટેલ ગ્રૂપ દ્વારા રવિવારે મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે ભાગીને લગ્ન કરતી છોકરીઓની ઘટનાઓનો અભ્યાસ કરાવવા જણાવ્યું હતું જેથી એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં કે લગ્ન માટે માતાપિતાની સંમતિ ફરજિયાત બને.
વિપક્ષ કોંગ્રેસના એક ધારાસભ્યએ પણ જણાવ્યું હતું કે જો સરકાર આવો કોઈ કાયદો વિધાનસભામાં રજૂ કરશે તો તેઓ તેનું સમર્થન કરશે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે પ્રેમ લગ્નમાં માતા-પિતાની ઉપેક્ષા કરવામાં આવે છે, ત્યારે સરકાર પ્રેમ લગ્નો અંગે એક ચોક્કસ સિસ્ટમ બનાવવાનું વિચારી રહી છે જે બંધારણીય રીતે શક્ય હોય.
સરકારે 2021માં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કર્યો હતો જે લગ્ન દ્વારા બળજબરીપૂર્વક અથવા કપટપૂર્ણ ધર્મ પરિવર્તનને અટકાવે છે. સુધારેલા કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. ગુજરાત હાઈકોર્ટે પાછળથી એક્ટની કેટલીક વિવાદાસ્પદ કલમો પર સ્ટે મૂક્યો હતો અને તેના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જ્યાં તે પેન્ડિંગ છે.
