‘મધર્સ ડે’ માટે પોસ્ટ ઑફિસ દ્વારા 2,000 બ્રિટીશ લોકોના સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ અડધા લોકો માને છે કે તેમની માતાની સલાહ સાર્થક હોય છે. ત્રીજા ભાગ કરતાં વધુ લોકો ઈચ્છે છે કે તેઓ તેમની માતાઓને વધુ સાંભળે. પરંતુ માત્ર 15 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ સમાન રાજકીય મંતવ્યો જ માતા સાથે શેર કરે છે. આ તફાવતો હોવા છતાં, દસમાંથી ચાર જણાએ કહ્યું હતું કે તેમની માતાઓ તેમની શ્રેષ્ઠ મિત્ર છે અને તેઓ અઠવાડિયામાં સરેરાશ આઠ વખત વાત કરે છે.
75 ટકા લોકોએ કહ્યું હતું કે આ મધર્સ ડે વખતે – રવિવારે તેઓ તેમની માતાઓને મળવા માટે ખાસ પ્રયાસ કરશે. 66 ટકા લોકોએ કાર્ડ મોકલવાની તો 50 ટકા લોકોએ ભેટ પોસ્ટ કરવાનું જણાવ્યું હતુ. કેટલાક લોકોએ કહ્યું હતું કે 26 વર્ષની ઉંમરે તેઓ સ્વીકારે છે કે તેઓ માતાઓને વધુ સારી રીતે જાણે છે. 20 ટકાએ કહ્યું હતું કે ત્રીસના થતાં સુધીમાં તેઓ તેમની માતાઓનું નાનું સંસ્કરણ બની ગયા હતા. લગભગ 60 ટકા લોકોએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમને સંતાન ન થાય ત્યાં સુધી તેઓ તેમની માતાની સંપૂર્ણ કદર કરતા નથી. તો ચોથા ભાગના લોકોએ માતા જેવી જ વાલીપણાની શૈલી અપનાવી છે.