અમદાવાદના મોટેરા ખાતેના નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે બુધવાર, 24 ફેબ્રુઆરીએ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યાં હતા. શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાન બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો હતો. સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું.
આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરી 2021થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિન્ક બોલથી ટેસ્ટ મેચ રમાશે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, મોટેરાથી ગુજરાત અને દેશનું ગૌરવ વધ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બન્યું છે. આ સ્ટેડિયમ અંગે સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિચાર કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે, રિવરફ્રન્ટ નજીક નવું સંકુલ બનશે.
મોટેરા ખાતેનું આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યાએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્ન સ્ડેયિમની બેઠક-ક્ષમતા 92 હજાર દર્શકોની છે અને મોટેરા સ્ટેડિયમની બેઠક ક્ષમતા આશરે 1.10 લાખ દર્શકોની છે.
આ સ્ટેડિયમમાં LED લાઇટ લગાવવામાં આવી છે. ભારતના બીજા કોઇ સ્ટેડિયમમાં આવી સુવિધા નથી. તેમાં 55 રૂમનું ક્લબહાઉસ છે. ક્લબહાઉસમાં ઇન્ડોર એન્ડ આઉટડોર ગેમ્સ, રેસ્ટોરાં, ઓલિમ્પિક સાઇઝનો એક સ્વિમિંગ પૂલ, જીમ અને થ્રીડી પ્રોજેક્ટર થીએટર છે. બીજા સ્ડેયિમથી અલગ મોટેરા સ્ડેયિમના દરેક સ્ટેન્ડમાં એક ફૂડ કોર્ટ છે.
આશરે 63 એકર જમીનમાં પથરાયેલા આ સ્ડેયિમમાં ત્રણ એન્ટ્રી પોઇન્ટ્સ છે. આ સ્ડેયિમના નવનિર્માણ માટે આશરે રૂ.800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં કુલ 76 કોર્પોરેટ બોક્સ છે. દરેકની ક્ષમતા 25 બેઠકની છે. તમામ કોર્પોરેટ બોક્સમાં એર કન્ડિશનની સુવિધા છે.
અહીં આશરે 3,000 કાર અને 10,000 ટુ વ્હિલર્સના પાર્કિંગની સુવિધા છે. અહીં સંપૂર્ણકક્ષાની ક્રિકેટ એકેડમી, સંખ્યાબંધ ઇન્ડોર પીચ છે. તેમાં ફૂડબોલ, હોકી અને બાસ્કેટબોલ જેવી બીજી રમતો માટે પણ પણ સુવિધા છે.