યુકેમાં મસ્જિદો અને મુસ્લિમ ધર્મની શાળાઓ અપ્રિય ગુનાઓનો સામનો કરવામાં મદદ કરવા માટે સુરક્ષાના પગલાં વધારવા માટે ભંડોળ મેળવી શકશે એમ સરકારે જણાવ્યું છે. આ સંસ્થાઓને CCTV કૅમેરા અને ફેન્સિંગ નાંખવા માટે £24.5 મિલિયનનું ભંડોળ અપાશે. જ્યારે અન્ય ધર્મોના પૂજા સ્થાનો માટે સરકાર £3.5 મિલીયનનું ફંડ આપશે.

સુરક્ષામાં સુધારો કરવા માટે ચર્ચ, મસ્જિદો, ગુરુદ્વારા, મંદિરો અને સંલગ્ન ફેઇથ સેન્ટર્સ જેવા પૂજા સ્થાનોને મદદ કરવામાં આવશે. આ યોજના જ્યુઈશ કોમ્યુનિટી પ્રોટેક્ટિવ સિક્યુરિટી ગ્રાન્ટ સાથે ચાલે છે. 2020/2021માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલા 45 ટકા ધાર્મિક નફરતના ગુનાઓ મુસ્લિમો વિરુદ્ધ આચરવામાં આવ્યા હતા.

સીક્યુરીટી સેક્રેટરી ડેમિયન હિન્ડ્સે કહ્યું હતું કે “ધર્મ પાળવામાં સક્ષમ થવું એ મૂળભૂત અધિકાર છે. ભંડોળનો ઉપયોગ સંવેદનશીલ સમુદાયો પરના દ્વેષપૂર્ણ હુમલાઓને રોકવા અને અટકાવવા માટે પૂજા સ્થાનો માટે સુરક્ષા પગલાંના ખર્ચને આવરી લેશે, જેનાથી આપણી શેરીઓ વધુ સુરક્ષિત બનશે.’’