કતારમાં રમાઈ રહેલા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં શનિવારે પોર્ટુગલ જેવી ધરખમ ટીમને 1-0થી પરાજય આપીને મોરોક્કો ફૂટબોલ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરનારી પ્રથમ આફ્રિકન ટીમ બની છે. એક મોટો અપસેટ સર્જીને ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કોની ટીમે સુપર સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી પરાજય આપ્યો હતો. મોરોક્કો માટે યુસેફ એન-નેસીરીએ 42મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. આ સાથે મોરોક્કોએ ઈતિહાસ રચી દીધો છે.
આની સાથે વર્લ્ડકપ જીતવાનું રોનાલ્ડોનું સપનું ચકનાચુર થયું હતું. વિશ્વના મહાન ફૂટબોલરમાં સામેલ રોનાલ્ડો પોતાની કારકિર્દીમાં પોર્ટુગલને વર્લ્ડ કપ જીતાડી શક્યો નથી. બીજી તરફ 37 વર્ષીય રોનાલ્ડોનો આ સંભવિત છેલ્લો વર્લ્ડ કપ છે. મોરોક્કો સામે પરાજય સાથે પોર્ટુગલ વર્લ્ડ કપની બહાર થઈ ગયું ત્યારે રોનાલ્ડો પોતાની લાગણીઓ રોકી શક્યો ન હતો. રોનાલ્ડો મેદાન પર જ રડી પડ્યો હતો.
આ વર્લ્ડકપમાં મોરોક્કોનો આ ત્રીજો મોટો અપસેટ હતો. મોરોક્કો વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની એક પણ મેચ હાર્યું નથી. તેને પોતાની પ્રથમ ગ્રુપ મેચમાં ક્રોએશિયા જેવી પોતાનાથી મજબૂત ટીમ સામે 0-0થી ડ્રો રમ્યું હતું. ક્રોએશિયા વર્તમાન વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું છે. મોરોક્કોએ બેલ્જિયમને 2-0થી હરાવ્યું હતું. જ્યારે રાઉન્ડ-16ના મુકાબલામાં મોરોક્કોએ 2011ની ચેમ્પિયન સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-0થી પરાજય આપ્યો હતો.