લેસ્ટરશાયરના લાફબરો સ્થિત મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આવશ્યક દવાઓના લગભગ 60,000 પેકનું યુદ્ધથી પ્રભાવિત યુક્રેનના સમુદાયોને દાન કરાયું છે, જે આવશ્યક દવાઓના 1.29 મિલિયન ડોઝ અર્પણ કરશે. લંડનમાં યોજાયેલી એક બિઝનેસ ઇવેન્ટમાં મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક અને અધ્યક્ષ, ડૉ. નિક કોટેચા OBE DL એ યુકે સ્થિત યુક્રેનિયન રાજદૂત, વાડ્યમ પ્રિસ્ટાઇકો સાથે વાત કર્યા પછી બહાર આવ્યું હતું.
તાજેતરમાં લેસ્ટરશાયરના ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાયેલા ડૉ. કોટેચાએ કહ્યું હતું કે “યુક્રેનની હ્રદયદ્રાવક પરિસ્થિતિએ અમને બધાને સ્પર્શી લીધા છે, અને યુકેના ઘણા લોકોની જેમ, અમે મદદ કરવા માટે બનતું બધું કરવા ઉત્સુક છીએ. તેમના એમ્બેસેડર સાથે વાત કર્યા પછી, યુક્રેનિયન એમ્બેસીએ મોર્નિંગસાઇડ દ્વારા ઉત્પાદિત દવાઓની એવી શ્રેણીની ઓળખ કરી હતી જેની તેમની હેલ્થકેર સિસ્ટમને તાત્કાલિક જરૂર છે. એમ્બેસી અને મોર્નિંગસાઇડની ટીમોએ યુકેના ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) સાથે મળીને કામ કર્યું હતું જેથી માનવતાવાદી સહાય તરીકે દવાઓ ઝડપથી મોકલી શકાય.’’
ડૉ. કોટેચાએ જણાવ્યું હતું કે “દવાઓની તાત્કાલિક જરૂર હોય તેમને શક્ય તેટલી વહેલી તકે તે મળી જાય તે સુનિશ્ચિત કરવા માટે થોડા દિવસોમાં આ કામ શક્ય કરી બતાવનાર અમારી ઈન્ટરનેશનલ સપ્લાય ચેઈન અને વેરહાઉસિંગ ટીમોનો આભાર માનું છું. ”
આ દવાઓના મોટા શિપમેન્ટને મોર્નિંગસાઇડના લોજિસ્ટિક્સ પાર્ટનર દ્વારા પોલેન્ડમાં એમ્બેસીના વિતરણ કેન્દ્રમાં સુરક્ષિત અને તાપમાન નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવી છે. ત્યાંથી આ દવાઓ રશિયન આક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો, આરોગ્યસંભાળ કેન્દ્રો અને સમગ્ર યુક્રેનના દર્દીઓને સપ્લાય કરાશે.
મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સે લોકો, લાફબરોના પોલિશ એસોસિએશનો અને સામાજિક ક્લબ દ્વારા દાનમાં આપવામાં આવેલો અને તેના લાફબરો વેરહાઉસિંગમાં રખાયેલો સેંકડો નેપ્પીઝના પેક, ફીમેલ હાઇજીન પેક, સ્લીપિંગ બેગ અને બાળકો માટે જરૂરી ચીજવસ્તુઓનો મોટો જથ્થો પોલેન્ડમાં રહેતા યુક્રેનિયન શરણાર્થીઓને ટેકો આપવા માટે વિતરિત કર્યો હતો.
ડૉ. કોટેચાએ ઉમેર્યું હતું કે “અમે બધા યુક્રેન યુદ્ધના ઝડપી નિરાકરણની આશા રાખીએ છીએ, જેથી ત્યાં થઈ રહેલી વેદના અને અત્યાચારોનો અંત આવે. આ ભયંકર સંઘર્ષમાં ફસાયેલા લોકો માટે ખૂબ જ મોટો ટેકો મળી રહ્યો છે. પોતાના કોઈ દોષ વગર, આત્યંતિક અને ઘણીવાર જીવલેણ મુશ્કેલીઓનો ભોગ બનેલા લોકો માટે યુકેના લોકોની પ્રચંડ ઉદારતા જોઈને હું નમ્રતા અનુભવું છું.”
મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ વિષે વધુ માહિતી માટે જુઓ: www.morningsidepharm.com