ઈંગ્લેન્ડના એકમાત્ર વન ડે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઓઈન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કરી દીધું છે. મોર્ગન સાત વર્ષ કરતાં વધુ સમયથી ઈંગ્લેન્ડની વ્હાઈટ બોલ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો હતો. તે વન-ડે અને ટી-૨૦માં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ મેચ રમવાનો અને રન કરવાનો રેકોર્ડ ધરાવે છે.
નેધરલેન્ડ પ્રવાસમાં ઈંગ્લેન્ડે ૩-૦થી વન-ડે શ્રેણી જીતી હતી. તેમાં મોર્ગનને બે વાર બેટિંગની તક મળી હતી, પણ તે શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી તેણે નિવૃત્તિનો નિર્ણય જાહેર કર્યો હતો. તે ઈજાના કારણે પણ પરેશાન રહ્યો હતો.
મોર્ગન ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો રહેશે. તે ભારત – ઈંગ્લેન્ડ વચ્ચેની આગામી શ્રેણીમાં પણ કોમેન્ટ્રી બોક્સમાં ફરજ ઉપર રહેશે. ૨૦૧૫માં કૂકના અનુગામી તરીકે મોર્ગનની વ્હાઈટબોલ ટીમના કેપ્ટન તરીકે નિયુક્તિ કરાઈ હતી. તેણે ૧૨૬ વન-ડે અને ૭૨ ટી-૨૦માં ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.
તેની કેપ્ટન્સીમાં જ ઈંગ્લેન્ડ 2015નો વર્લ્ડ કપ જીત્યું હતુ. ૨૦૧૬માં પણ મોર્ગનની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતુ. આયરલેન્ડ તરફથી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા મોર્ગને ૨૦૦૯થી ઈંગ્લેન્ડ તરફથી કારકિર્દી શરૂ કરી હતી.