ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે મિનીસ્ટર્સ સાથેની કોબ્રા કમીટીની બેઠક બાદ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદા પ્રેસ બ્રીફિંગમાં ગયા સપ્તાહે, 16 એપ્રિલે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા વધુ ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનની મુદત લંબાવવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ‘’કોરોના વાઈરસનો રોગચાળો કાબુમાં લેવા માટેના લોકડાઉન અને સામાજિક અંતરના પ્રયત્નો કામ કરી રહ્યા છે. પરંતુ અર્થતંત્રને ભારે ફટકો પડ્યો હોવા છતાં તે પગલા અમલમાં રહે તે જરૂરી છે. તેમણે લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ માટેની માંગનો ઇન્કાર કર્યો હતો.
ચેકર્સ ખાતે જીવલેણ રોગમાંથી સાજા થયા બાદ આરામ કરી રહેલા વડાપ્રધાન જ્હોન્સનના ડેપ્યુટી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’પરિસ્થિતિ નાજુક છે. વૈજ્ઞાનિકો માને છે કે રોગચાળો ફાટી નીકળે તેના કરતા સમુદાયમાં ટ્રાન્સમિશનનુ સ્તર નીચુ છે, જો કે હજી પણ હોસ્પિટલો અને કેર હોમમાં ચેપ ફેલાયેલો છે. આ સલાહને આધારે સરકારે નિર્ણય કર્યો છે કે ઓછામાં ઓછા આવતા ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનના પગલા જળવાઈ રહેવા જોઈએ.’
રાબે પાંચ માપદંડ જાહેર કરતા જણાવ્યુ હતુ કે ‘’એનએચએસ પર બહુ ભારણ ન હોય, મૃત્યુ દરમાં સતત ઘટાડો થાય, ચેપનુ ટ્રાન્સમિશન કાબુમાં હોય, મોટા પાયે ટેસ્ટ કરવાની ક્ષમતા હોય અને મેડિક્સને પીપીઈ પૂરતા પ્રમાણમાં આપવાની ક્ષમતા હોય તેમજ રોગ ફરીથી ઉથલો ન મારે તેવા સંજોગોમાં જ લોકડાઉન હળવું કરી શકાય.’’
પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી હતી કે મિનિસ્ટર્સે સામૂહીક ટેસ્ટ માટેની ‘કાર્યવાહીમાં વેગ’ વધારવો જોઇએ. કાફે અને રેસ્ટોરાં ફરીથી શરૂ કરવાનો આગ્રહ કરતા એક્ઝિટ પ્લાન માટે દબાણ કરતા અહેવાલ મિનિસ્ટર્સને આપવામમાં આવ્યા છે.
જેમાં સૂચવવામાં આવ્યું હતુ કે બ્રિટનની હાઇ સ્ટ્રીટ પર આવેલી કોફી શોપ્સ, રેસ્ટૉરન્ટ્સ અને એસ્ટેટ એજન્ટને તેમની દુકાનો ખોલવા મંજૂરી આપવા જોઇએ કેમ કે તેઓ અર્થતંત્રને વેગ આપે છે અને વાયરસ ફેલાવાનું સૌથી ઓછુ જોખમ ધરાવે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુવાનોને નોકરી પર જવા દેવાની અને પ્રાથમિક શાળાઓ ખોલવાની મંજુરી આપવામાં આવે અને પેન્શનરો તથા નબળા લોકોને એકાંતમાં રહેવા આદેશ આપવામાં આવે. તાજેતરમાં, બર્ગર કિંગ, કેએફસી અને પ્રેટે કાઉન્ટી વિસ્તારોમાં તેમના સ્ટોર્સ આંશિક રીતે ફરીથી ખોલવાની યોજના જાહેર કરી છે.
મેઇલ ઑનલાઇનના એક સર્વેમાં જણાવાયુ હતુ કે ‘’લોકડાઉન સમાપ્ત થાય તે માટે જનતા તૈયાર નથી. 80 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓને આ ક્ષણે ફરી રાબેતા મુજબનું જીવન શરૂ કરવાનું સલામત લાગતુ નથી.’’ સરકારના સલાહકાર પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે ‘’જ્યાં સુધી સામૂહિક ટેસ્ટ ન થાય ત્યાં સુધી નિયંત્રણો હળવા ન કરી શકાય.
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે જણાવ્યું હતું કે ‘’સમુદાયમાં ફાટી નીકળેલો રોગચાળો સંકોચાઇ રહ્યો છે. વાયરસનું આર મૂલ્ય એટલે કે દરેક દર્દી કેટલા લોકોને ચેપ લગાવે છે તે હવે 0.5 અને 1ની વચ્ચે ક્યાંક હોવાનું માનવામાં આવે છે. આ એક એવી નિશાની છે જેમાં ચેપનો દર નીચે રાખવામાં આવશે તો વાયરસ પોતાની જાતે જ બળી જશે.’’