ભારતના મોટાભાગના વરસાદ આધારિત કૃષિ વિસ્તારોને આવરી લેતા મુખ્ય ચોમાસુ ઝોનમાં આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી ઓછા વરસાદ, ઉત્તર-પશ્ચિમમાં સામાન્ય તથા દેશના મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, એમ ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સોમવારે જણાવ્યું હતું
એપ્રિલમાં કરાયેલી આગાહીને જાળવી રાખતા હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે દેશમાં ચાર મહિનાની ચોમાસાની સિઝનમાં (જૂનથી સપ્ટેમ્બર) સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળી શકે છે. આ સિઝનમાં લાંબા ગાળાની સરેરાશ 87 સે.મી.ના 106 ટકા જેટલો કુલ વરસાદનો અંદાજ છે.
મહાપાત્રાએ જણાવ્યું હતું કે “ભારતના મોન્સૂન કોર ઝોનમાં મોટા ભાગના વરસાદ આધારિત કૃષિ ક્ષેત્રોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે (લાંબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ). આ દેશ માટે સારા સમાચાર છે.”
મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના મોટા વિસ્તારોનો દેશના કોર મોન્સૂન ઝોનમાં સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત છે.ભારતમાં 2023ની ચોમાસાની મોસમમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો.