પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલિબાનોને પ્રોત્સાહન આપ્યા પછી હવે આ તાલિબાનો તેના માટે મુશ્કેલી ઊભી કરી રહ્યાં છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સીમા સુરક્ષા દળોના એકબીજા સામેના ભારે ગોળીબારમાં રવિવારે પાકિસ્તાનના આઠ નાગરિકો અને એક અફઘાન સૈનિકનું મોત થયું હતું. બંને દેશોએ એકબીજા ઉશ્કેરણીનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન સરહદ દળોએ કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર ચમાન બોર્ડર ક્રોસિંગ પરના રહેણાંક વિસ્તારોમાં તોપ અને મોર્ટાર સહિત ભારે હથિયારોથી હુમલા કર્યા હતા. પાકિસ્તાનને અફઘાનના રાજદૂતને શુક્રવારે સમન્સ કર્યા હતા તથા અફઘાન સુરક્ષા દળોએ કરેલા ક્રોસ બોર્ડર ફાયરિંગની આકરી ટીકા કરી હતી.
પાકિસ્તાની સેનાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાન ગોળીબારમાં પાકિસ્તાના 6 નાગરિકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. તેનાથી પાકિસ્તાની સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી. સોમવારના રોજ મૃત્યુઆંક વધીને આઠ થયો હતો કારણ કે 10 વર્ષના યુવક સહિત બે ઘાયલોનું દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાની શહેર ક્વેટાની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યાં તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે કહ્યું હતું કે આ હત્યાઓ સખત નિંદાને પાત્ર છે. અફઘાન વચગાળાની સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
કંદહારના ગવર્નરના પ્રવક્તા હાજી ઝાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાને અફઘાન દળોને નવી ચોકી બનાવવા સામે વાંધો ઉઠાવ્યા બાદ લડાઈ શરૂ થઈ હતી. પાકિસ્તાનની આર્મી અમારા પ્રદેશમાં આ ચોકી ઊભું કરવા દેવા માગતું ન હતું. તેનાથી બે કલાસ સુધી લડાઈ ચાલુ હતી. કંદહાર પોલીસના પ્રવક્તા હાફિઝ સાબરે જણાવ્યું કે આ લડાઈમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો અને ત્રણ નાગરિકો સહિત 10 લોકો ઘાયલ થયા હતા.