દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, 11થી 20 નવેમ્બર સુધીના દસ દિવસમાં રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.
આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ 2023-24ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં 346 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે રૂ.10 હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે રૂ. 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.