ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા સહિતની 58 કંપનીઓએ રૂ.7.17 લાખ કરોડ ($86.07 બિલિયન)ના રોકાણના પ્રારંભિક સમજૂતી કરાર કર્યાં હતાં. વાઇબ્રન્ટ સમિટે ખુલ્લી મૂકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 8 જાન્યુઆરીની સાંજે ગાંધીનગર આવી પહોંચ્યા હતાં. સમિટમાં 32 ભાગીદાર દેશો સહિત 100 દેશોના પ્રતિનિધિઓએ તેમની હાજરીની પુષ્ટિ આપી હતી.

વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદી અને યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભાગ લેવાના છે તેવા એક ભવ્ય રોડ-શોનું આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બે લાખ ચોરસ મીટર એરિયામાં વિશ્વનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાશે. તેમાં ‘મેક ઈન ગુજરાત’ અને ‘આત્મનિર્ભર ભારત’ સહિત જુદી જુદી થીમ સાથે 13 પ્રદર્શન હોલ તૈયાર કરાયા છે. આ ટ્રેડ શોમાં 100 દેશોના પ્રતિનિધિઓ વિઝિટ કરવાનાં છે અને 33 દેશો પાર્ટનર તરીકે જોડાયા છે.

ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ અને બીજા કાર્યક્રમો દરમિયાન રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ, સિંગાપોર એક્સ્ચેન્જના માઈકલ સિન, સિંગાપોર એક્સચેન્જના સીઈઓ વરુણ ગુજરાલ, કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક, પેટીએમના સ્થાપક વિજય શર્મા, ફોન પેના સ્થાપક સમીર નિગમ, જાપાનની ક્યોટો બેન્કના એમડી શિન્ઝી તાકાબાયશી, ફર્સ્ટ અબુધાબી બેન્કના મોઆટાઝ ખલીલ, યુકેની સ્ટોનેક્સના સીઈઓ ફિલિપ સ્મિથ હાજરી આપવાના છે. આ ઉપરાંત સુમિટોમો મિત્શુઈ, કેપીએમજી, એયુ સ્મોલ ફાયનાન્સ બેન્ક, બીએનપી પારિબા, એમેઝોન પે, નાસ્ડેક, એસપી ગ્લોબલના ટોચના અધિકારીઓ પણ હાજરી આપશે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDCના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સમીટમાં લગભગ 100 દેશો ભાગ લઈ રહ્યાં છે. તેમાં 32 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોનો સમાવેશ થાય છે.
ઈવેન્ટ પહેલા એમઓયુ અંગે ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર હંમેશા ગુણવત્તાયુક્ત એમઓયુ પર ધ્યાન કેન્દ્રિત કરતી રહી છે અને વાઈબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે અત્યાર સુધી, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સમજૂતી કરવા માટે સેમિકન્ડક્ટર્સ, ઇ-મોબિલિટી, રીન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 2003માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર અને ઉદ્યોગના વિશ્વના નકશા પર મૂકવા માટે કરી હતી.

ગુજરાત સરકારે ઉર્જા, તેલ અને ગેસ, કેમિકલ અને અન્ય ક્ષેત્રોમાં 58 કંપનીઓ સાથે 7.17 લાખ કરોડ ($86.07 બિલિયન)ના પ્રારંભિક રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરનારી કંપનીઓમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AMNSI) નો સમાવેશ થાય છે. યુકે – જાપાનની આ સંયુક્ત સાહસ કંપનીએ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, એક સંકલિત સ્ટીલ પ્લાન્ટ અને રાજ્યમાં તેની હાલની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે રૂ. 1.14 લાખ કરોડના ($13.68 બિલિયન)ના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

NTPC રીન્યુએબલ એનર્જી લિમિટેડે 15 ગીગાવોટ (GW) રીન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા અને કૃષિ ક્ષેત્રની વીજ જરૂરતોને પહોંચી વળવાના પ્રોજેક્ટ માટે 900 અબજ રૂપિયા ($10.80 બિલિયન)ના રોકાણની દરખાસ્ત કર્યાનું ઉદ્યોગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ટોરેન્ટ પાવરે 3,450 મેગાવોટ અને 7,000 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્રોજેક્ટ, ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ માટે 474 અબજ રૂપિયા ($5.69 બિલિયન)ના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંભવિત રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની ગૌરવપૂર્ણ ઘટનાને રાજ્યના ઈતિહાસની સિદ્ધિ ગણાવી હતી. આ સમિટની સતત સફળતાને કારણે ગુજરાત દેશ અને વિશ્વના રોકાણકારો માટે રોકાણનું પ્રિય સ્થળ બની ગયું છે. મુખ્યપ્રધાને જણાવ્‍યું હતું કે, વાઇબ્રન્‍ટ સમિટમાં સાઇન થતા એમઓયુના અમલથી ગુજરાતમાં રોજગારી અને આર્થિક પ્રગતિની ઘણી તકો ઉભી થઇ છે. ઉદ્યોગોમાં રોકાણ કરવા આવતા રોકાણકારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર સક્રિય અભિગમ સાથે મદદ કરવા તૈયાર છે.

LEAVE A REPLY