ગાઝા પટ્ટી ઉપર વર્ચસ્વ ધરાવતા ત્રાસવાદી જૂથ હમાસે શનિવારે સવારે ઇઝરાયેલ ઉપર કરેલા ઓચિંતા, ચોંકાવનારા ભીષણ હુમલામાં પછી ચાલુ થયેલા જંગમાં સોમવાર સુધી મૃત્યુઆંક 1,300થી વધુનો થયો હતો અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં હતાં. ઇઝરાયેલના 800 લોકોના મોત થયા હતા, જ્યારે ગાઝામાં ઓછામાં ઓછો 560 લોકોના મોત થયા હતા.
શનિવારે હમાસે ઇઝરાયેલ ઉપર અચાનક પાંચ હજાર રોકેટ છોડ્યા હતાં અને એ પછી તેના ત્રાસવાદીઓ હવા, જમીન અને દરિયાઇ માર્ગે અનેક સ્થળોએથી ભારે કિલ્લેબંધીવાળી સરહદ પરથી ઇઝરાયેલમાં ધૂસ્યા હતાં અને ત્રાસ વર્તાવ્યો હતો. રજાના દિવસે થયેલા ભીષણ હુમલાથી ઇઝરાયેલ ઉંઘતું ઝડપાયું હતું. હમાસના ત્રાસવાદીઓએ ઇઝરાયેલાના અનેક નાગરિકોને બંધક બનાવીને હેવાનિયત આચરી હતી, બેફામ ગોળીબાર કરી નાગરિકોનો ખાત્મો બોલાવ્યો હતો.
ઇઝરાયેલે પણ જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં
ત્રાસવાદીઓના છુપાવાના સ્થળોને “કાટમાળ”માં ફેરવી નાંખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને યુદ્ધની જાહેરાત કરી હતી. નેતન્યાહુએ રવિવારે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી હતી અને કહ્યું કે હમાસને એટલી આકરી કિંમત ચૂકવવી પડશે જેની તેણે કયારેય કલ્પના પણ કરી નહીં હોય. અમેરિકાએ ઈઝરાયેલને શકય તમામ મદદની ખાતરી આપી છે. હમાસે અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આક્રમણ શરૂ થયાના કેટલાક કલાકો પછી હમાસના ત્રાસવાદીઓએ ઇઝરાયેલી સમુદાયોમાં ફાયરિંગ ચાલુ કરીને સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો.
શનિવારે હમાસના હુમલામાં ઇઝરાયેલ સૈન્યને નોંધપાત્ર નુકસાન થયું હતું. પેલેસ્ટાઈ જૂથે ડઝનેક સૈનિકોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. સેનાના પ્રવક્તા રીચાર્ડ હેચટે જણાવ્યું હતું કે, “ત્રાસવાદીઓએ ભારે આતંક મચાવ્યો હતો અને ઘરોમાં ઘૂસી ગયા હતા, નાગરિકોની હત્યા કરી હતી. સેંકડો લોકોએ દેશ પર આક્રમણ કર્યું હતું, સેંકડો હજુ પણ ઇઝરાયેલની અંદર સૈનિકો સાથે લડી રહ્યા છે.”
સોશિયલ મીડિયા પર આ હુમલાના કારણે સર્જાયેલી ખાનાખરાબીની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. તેમાં ઈઝરાયેલની સડકો પર મૃતદેહોના ઢગલા જોઇ શકાય છે. બીજી બાજુ, ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે પેલેસ્ટાઈનની ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. અનેક વિસ્તારો ખંડેર હાલતમાં છે, બધે ચીસો સિવાય કશું જ નથી. કોઈએ માતા ગુમાવી, કોઈએ પિતા ગુમાવ્યા અને કોઈએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો. લોકોની આંખોના આંસુ સુકાઈ ગયા છે.
યુએન સિક્યુરિટી કાઉન્સિલે રવિવાર માટે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ઇઝરાયેલ માટે “નક્કર અને અવિશ્વસનીય” સમર્થન જાહેર કર્યું હતું હતું અને “આ પરિસ્થિતિનો લાભ લેવા સામે ઇઝરાયેલના દુશ્મનોને કડક ચેતવણી આપી હતી. ઈઝરાયેલની સેનાના પ્રવક્તા રીચર્ડ હેચટે કહ્યું કે દેશમાં 22 જગ્યાએ હજુ પણ લડાઈ ચાલી રહી છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીના 7 વિસ્તારોના લોકોને તેમના ઘર છોડીને શહેરમાં બનેલા શેલ્ટર હોમમાં જવા કહ્યું છે. સેના અહીં હમાસના સ્થાનો પર હુમલો કરવા જઈ રહી છે. અલ જઝીરા અનુસાર, 1000થી વધુ પેલેસ્ટાઈનીઓ ઇઝરાયેલમાં પ્રવેશી ચૂક્યા છે. આવું 1948 પછી પહેલીવાર બન્યું છે.
ભારત કે બીજા દેશોમાં તો કલ્પના પણ ના કરી શકાય પણ ડ્યુટી પર પાછા ફરનારા સૈનિકોમાં ઈઝરાયેલના ભૂતપૂર્વ વડાપ્રધાન નફતાલી બેનેટ પણ સામેલ છે. તેઓ પોતાની બટાલિયનમાં જોડાઇ ચૂક્યા છે. બેનેટ ઈઝરાયેલના સૌથી ખૂંખાર કમાન્ડો યુનિટ સાયરેત મટકલમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
તેમણે મોરચો સંભાળ્યો હોવાથી એક સકારાત્મક સંદેશ દેશમાં ગયો છે. ઈઝરાયેલમાં તમામ નાગરિકો માટે સૈન્યમાં અમુક સમય માટે સેવા આપવી ફરજિયાત છે. જેના કારણે ઈઝરાયેલના ઘણા રાજકારણીઓ હવે પોતાના પોતાના લશ્કરી યુનિટોમાં પાછા ફરી રહ્યા છે.
અમેરિકાનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફાઇટર જેટ સ્ક્વોડ્રનને પ્રોત્સાહન આપવા માટે એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ અને તેની સાથેના યુદ્ધ જહાજોને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલી રહ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે જણાવ્યું હતું કે જહાજો અને વિમાનોએ નવી પોસ્ટ પર જવાની શરૂઆત કરી છે.
અમેરિકાએ અન્ય દેશોને આ સંઘર્ષથી દૂર રહેવા ચેતવણી આપી છે.