યુએસ જનરલ માર્ક મિલ્લીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં રશિયન મિલિટરીના એક લાખથી વધુ સૈનિકોના મૃત્યુ થયા છે અથવા તો ઘાયલ થયા છે, તેની સામે યુક્રેનના સૈનિકોના એટલી જ સંખ્યામાં ભોગ બન્યા છે. મિલ્લીએ ઇકોનોમિક ક્લબ ઓફ ન્યૂયોર્ક ખાતે આ નિવેદન આપ્યું હતું.
આઠથી વધુ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અંગે મિલ્લીએ જે આંકડા રજૂ કર્યા છે તેની વ્યક્તિગત રીતે ખાતરી કરવામાં આવી નથી અને અત્યાર સુધીમાં અમેરિકન સરકાર દ્વારા ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી. મિલ્લીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, યુદ્ધના અંત મુદ્દે ચર્ચા કરવાની હજુ પણ તક છે અને રશિયા કે યુક્રેનમાંથી કોઇ પણ દેશની સેનાનો વિજય શક્ય નથી. સધર્ન યુક્રેનના ખેરસન શહેરમાંથી લશ્કર પરત બોલાવી લેવાના રશિયાના આદેશ પછી મિલ્લિએ આવું નિવેદન આપ્યું હતું, જે મોસ્કોના લશ્કરી કેમ્પેઇન માટે મોટા ફટકા સમાન છે. પરંતુ કિવમાં અધિકારીઓએ સાવધાની સાથે આ બાબતે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, રશિયન સૈન્ય લડત આપ્યા વગર વ્યૂહાત્મક રીતે શહેરમાંથી નીકળી જાય તેવી શક્યતા નથી, જ્યારે યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને એવું સૂચન કર્યું હતું કે, આ પીછેહઠ એ સાબિતી છે કે, યુદ્ધમાં રશિયા વાસ્તવિક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે.