અમેરિકામાં રહેતા એક મિલિયનથી વધારે ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવી પડશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)ના આંકડાઓ પરથી આ માહિતી મળી છે. ગ્રીન કાર્ડની બાબતમાં દરેક દેશનો ક્વોટા નક્કી હોય છે. આ કારણે ભારતીયોએ લાંબી વાટ જોવી પડશે. આ ભારતીયોમાં ડોક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાાનિકો સહિત હજારો-લાખો હાઇ સ્કીલ પ્રોફેશનલનો સમાવેશ થાય છે.
ફોર્બ્સના અહેવાલ અનુસાર, નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસી (એનએફએપી)એ ૨ નવેમ્બર સુધીના યુએસસીઆઇએસ ડેટાનું વિશ્લેષણ કર્યુ તો તેમને જાણવા મળ્યું છે કે ૧૨ લાખથી વધુ ભારતીયો એવા છે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઇ રહ્યાં છે.
ભારતીયોની પ્રથમ પ્રાથમિકતા ઇબી-૧ કેટેગરીમાં છે. આ કેટેગરીમાં પ્રોફેસર, રિસર્ચર્સ, મેનેજર જેવી પોસ્ટ પર કામ કરતા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે ૧,૪૩,૪૯૭ ભારતીયો રાહ જોઇ રહ્યાં છે.
ત્યારબાદ ઇબી-૨ કેટેગરી આવે છે. જેમાં સાયન્સ, આર્ટસ અને બિઝનેસ જેવા ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જેમાં ૮,૩૮,૭૮૪ ભારતીયો લાઇનમાં છે.
ત્રીજી કેટેગરી ઇબી-૩ છે જેમાં એવા પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેમની પાસે બેચલર ડિગ્રી હોય છે. આ કેટેગરીમાં ૧,૩૮,૫૮૧ ભારતીય છે.
એનએફએપીએ જણાવ્યું હતું કે યુએસસીઆઇએસના આંકડાઓ અનુસાર બે નવેમ્બર, ૨૦૨૩ સુધી કુલ ૧૨,૫૯,૪૪૩ ભારતીયોના ગ્રીન કાર્ડ બેકલોગમાં હતાં.
ફોર્બ્સ રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૨૨ લાખ થઇ જશે એટલે કે ૨૨ લાખ લોકો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઇ રહ્યાં હશે. જેને પૂર્ણ થવામાં ૧૯૫ વર્ષનો સમય લાગી શકે છે.