સમગ્ર દુનિયા કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ છે. અનેક દેશો આ મહામારીને અટકાવવા માટે અનેક દેશોએ લોકડાઉન જેવા કડક પગલાં લેવાની સાથે જ તેમના ત્યાં વિદેશી નાગરિકોના આગમન પર પ્રતિબંધ મૂકી દીધો છે.
મોટાભાગના દેશોએ તેમની સરહદો સીલ કરી દીધી છે. ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. કોરનાનો પ્રસાર અટકાવવા માટે અનેક દેશોમાં લોકડાઉનના પગલે સમગ્ર વિશ્વમાં હાલ લગભગ એક અબજથી વધુ લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. અનેક દેશોમાં કરફ્યુ જેવી સિૃથતિ સર્જાઈ છે. રસ્તાઓ સૂમસામ છે અને બજારો બંધ છે.
બીજીબાજુ અમેરિકન ઉપપ્રમુખ માઈક પેન્સની ટીમના એક કર્મચારીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. વ્હાઈટ હાઉસના કર્મચારીમાં જીવલેણ વાઈરસનો આ પ્રથમ કેસ છે. અમેરિકામાં અત્યાર સુધીમા ંકોરોનાના કારણે 276 લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ કેસની સંખ્યા 19,777 થઈ છે.
દુનિયામાં કોરોના વાઇરસના અઢી લાખથી વધુ કેસ નોંધાયા છે. દુનિયાના 160 દેશોમાં આ રોગના 2,75,427 કેસ નોંધાયા છે અને 11,397નાં મોત નીપજ્યાં છે તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું. ચીનની બહાર કોરોનાના એપી સેન્ટર બનેલા ઈટાલીમાં વધુ એક વખત 24 કલાકમાં 627 લોકોનાં મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 4,032 થઈ ગયો હતો જ્યારે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 47,021 થઈ હતી.
ઈટાલીમાં કોરોના વાઈરસના કારણે મરનારાઓની સંખ્યા તીવ્ર ગતિએ વધી રહી છે. યુરોપીયન દેશમાં સતત બીજા દિવસે 600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોરોનાના મુખ્ય એપી સેન્ટર એવા ચીનમાં પણ એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યાં નહોતા. ઈટાલીની સાથે સ્પેનમાં પણ એક જ દિવસમાં 233 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 3,355 નવા કેસ સાથે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 24,926 થઈ ગઈ હતી.
અમેરિકામાં 10 કરોડ લોકો ઘરોમાં કેદ
બીજીબાજુ અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે કેલિફોર્નિયા પછી હવે ન્યૂયોર્ક અને ઈલિનોઈસમાં પણ લોકડાઉન કરાયું છે. પરિણામે અમેરિકામાં 10 કરોડથી વધુ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાઈરસના પ્રસારનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા કોરોના વિરૂદ્ધની લડાઈ ‘જીતી રહ્યું’ છે. અમેરિકામાં ન્યૂયોર્ક, લોસ એન્જેલેસ અને શિકાગો જેવા મોટા શહેરો તથા ન્યૂ જર્સી, કનેટિકટ, પેન્સિલવેનિયા અને નેવાડા જેવા રાજ્યો બંધ છે. હાલ સાત રાજ્યોમાં પ્રતિબંધ લગાવાયા છે.
ઓસ્ટ્રેલિયામાં 100 વધુના એકત્ર થવા પર પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયામાં લગ્ન સમારંભો મારફત કોરોના વાઈરસના પ્રસારના 35 કેસ સામે આવતાં સરકારે 100થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે અનેક યુગલોએ ભવ્ય અને ખર્ચાળ લગ્ન સમારંભો રદ કરવાની ફરજ પડી હતી. નવા નિયમ હેઠળ ઘરની અંદરના કાર્યક્રમમાં પ્રતિ વ્યક્તિ ઓછામાં ઓછી ચાર મીટરની જગ્યા હોવી જોઈએ. વધુમાં સરકારે લોકોને એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટર દૂર રહેવા સલાહ આપી છે.
માલદીવ સાર્ક રાષ્ટ્રોમાં બે લાખ ડોલરનું દાન કરશે
માલદીવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સૂચિત સાર્ક દેશોના કોરોના આપદા ભંડમાં બે લાખ ડોલરની સહાય આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોરોના જે ઝડપથી વિશ્વમાં પ્રસરી રહ્યો છે તેને લડવા માટે ભારતે એક કરોડ ડોલર એકત્ર કરવાની દરખાસ્ત કરી હતી. ડિઝાસ્ટર એન્ડ રેસ્ક્યુ ભંડોળ બનાવવાના વડાપ્રધાન મોદીના પગલાંનું સ્વાગત કરતાં માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે દેશ કોરોના વાઈરસનો સામનો કરવાના પડકારોમાં જોડાશે.
જર્મનીમાં 1445, ઈરાનમાં 966 નવા કેસ
વિશ્વમાં કોરોના વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાષ્ટ્રોમાં સામેલ જર્મનીમાં કોરોનાના એક જ દિવસમાં 1445 નવા કેસ નોંધાયા છે જ્યારે ઈરાનમાં નવા કેસોની સંખ્યા 966 છે. જર્મનીમાં મૃતકોની સંખ્યા એકંદરે ઘણી ઓછી 73 છે જ્યારે ઈરાનમાં એક જ દિવસમાં 123નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 1556 થઈ ગયો છે.
ફ્રાન્સમાં કોરોનાથી 78નાં મોત
ફ્રાન્સમાં કોરોના વાઈરસથી વધુ 78નાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 450 થઈ ગઈ છે અને કુલ કેસ 12,612 થઈ ગયા છે તેમ ફ્રાન્સના ટોચના સ્વાસ્થ્ય અિધકારી જેરોમ સલોમોને જણાવ્યું હતું.
પાકિસ્તાનમાં 3નાં મોત, નવા 165 કેસ
પાકિસ્તાનમાં કોરોના વાઈરસથી ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે નવા 165 કેસ સાથે કુલ 666 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડાપ્રધાન ઈમરાન ખાને લોકોને આગામી 45 દિવસ સુધી પોતાને એકબીજાથી અલગ રાખવા વિનંતી કરી છે.