કોરોનાના કેરને પગલે ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટને સોમવારથી ચાર્ટર ફ્લાઇટના બીજા રાઉન્ડનો પ્રારંભ કરી દીધો છે. જેના ભાગરૃપે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૨૭૦ મુસાફરો લંડન જવા માટે રવાના થયા હતા. અગાઉ ગત સપ્તાહે અમદાવાદથીન ૩ ચાર્ટર ફ્લાઇટમાં ૮૦૦ જેટલા બ્રિટિશ નાગરિકોને લંડન મોકલવામાં આવ્યા હતા.
હવે આજથી વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. આજે બપોરે ૩ઃ૩૦ના અમદાવાદથી લંડન માટે ફ્લાઇટ રવાના થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પહોંચનારા તમામ બ્રિટિશ નાગરિકોનું સૌપ્રથમ હેલ્થ ચેક અપ કરાયું હતું અને ત્યારબાદ જ તેમને સિક્યુરિટી ચેક સહિતની પ્રક્રિયામાં મોકલવામાં આવ્યા હતા. હજુ ૨૨,૨૪,૨૬ એપ્રિલના અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ જશે.
૨૩ એપ્રિલે બેંગાલુરુથી વાયા અમદાવાદ થઇને આ ફ્લાઇટ લંડન પહોંચશે. ૨૨ એપ્રિલે ઈજિપ્ત એરવેઝની ફ્લાઇટમાં બ્રિટિશ મુસાફરોને અમદાવાદથી લંડન લઇ જવામાં આવી શકે છે. ગત સપ્તાહે અમદાવાદથી અમેરિકાના ૧૬૦ નાગરિકોને પણ સ્વદેશ મોકલાયા હતા. આમ, હવે૧૩થી ૨૬ એપ્રિલ દરમિયાન ૨૨૦૦ જેટલા વિદેશી મુસાફરોને સ્વદેશ મોકલવામાં આવશે.