ખાલિસ્તાન આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડામાં વધુ એક ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે બુધવારની રાત્રે બે ગેંગ વચ્ચેની હિંસામાં માર્યો ગયો હતો. દુનેકે કેનેડામાં ખાલિસ્તાન ચળવળમાં સામેલ હતો. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. જોકે આ હત્યા અંગે સત્તાવાર પુષ્ટી મળી ન હતી. મીડિયા અહેવાલો મુજબ દુનેકેની વિનીપેગ વિસ્તારમાં તેના હરીફો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
દુનેકે પંજાબના મોગાનો “કેટેગરી A” ગેંગસ્ટર હતો. તે 2017માં નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો. તે ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાનો નજીકનો સહયોગી હતો. ભારતની આતંક વિરોધી એજન્સી એનઆઇએએ બુધવારે જારી કરેલી ખાલિસ્તાન અને કેનેડા સાથે લિન્ક ધરાવતા 43 ગેંગસ્ટર્સની યાદીમાં પણ તે સામેલ હતો.
ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવાર, 19 સપ્ટેમ્બરે વણસીને નવા નિમ્ન સ્તરે ઉતરી ગયા હતા. ભારત સરકારના એજન્ટો ઉપર ખાલિસ્તાનની ઉગ્રવાદી અને કેનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો ગંભીર આરોપ મુકી કેનેડાએ ભારતના એક ટોચના રાજદૂતની હકાલપટ્ટી કરી હતી. ભારતે પણ વળતા પગલાં તરીકે ભારત ખાતેના કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડવાની તાકીદ કરી હતી.
અગાઉના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય પુરાવા” છે. ભારત સરકારે આ આરોપ “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યો હતો. કેનેડાએ આવો આક્ષેપ કરીને એક વરિષ્ઠ ભારતીય રાજદૂતની હકાલપટ્ટીનું ફરમાન કર્યું હતું.