અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારા-ઈશારામાં ચીન પર પ્રહાર કરવાનું સતત ચાલું રાખ્યું છે. સોમવારે ફરી એક વખત પ્રેસિડેન્ટ ટ્રમ્પે કોરોના વાયરસને ચાઈનીઝ વાયરસ કહી ચીન પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં મોટી સંખ્યામાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે જેના કારણે અમારા ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટ કરીને લખ્યું છે કે, અમારા ત્યાં હવે મૃત્યુઆંક ઓછો થઈ રહ્યો છે.
ફેક ન્યૂઝ દર્શાવનારાઓએ આ પણ દર્શાવવું જોઈએ. ટ્રમ્પે દાવો કરતા કહ્યું કે હવે રેકોર્ડ બ્રેક રીતે લોકોને નોકરીઓ મળી રહી છે.નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં દરરોજ કોરોનાના 50 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેથી કોરોના વાયરસના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર પ્રહાર કરતા જોવા મળે છે.
તેમનો આરોપ છે કે જો ચીને સમયસર દુનિયાને ચેતવી દીધી હોત તો આજે પરિસ્થિતિ આટલી હદે વણસી ન ગઈ હોત. વર્લ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધીમાં 29 લાખથી વધારે લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 1.32 લાખ લોકોના મોત નિપજી ચૂક્યા છે. હવે અમેરિકામાં મૃત્યુઆંક દરરોજ 500ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે એક સમય એવો હતો કે ત્યારે અમેરિકામાં એક દિવસમાં 4000 લોકો મોતને ભેટતા હતા.