મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે સોમવારે ઓરેવા ગ્રૂપના બે મેનેજર્સ સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. ઓરેવા ગ્રૂપે આ બ્રિજનું રિનોવેશન કર્યું હતું. રાજકોટ રેન્જના આઈજી અશોક યાદવે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બેદરકારી બદલ ધરપકડ કરાયેલા નવ લોકોમાં ઓરેવા કંપનીના બે મેનેજર, બે ટિકિટ ક્લાર્ક અને બે કોન્ટ્રાક્ટર અને ત્રણ સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે.
ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારની ધરપકડ કરાઈ હતી. દીપક પારેખ ઓરેવા ટ્રસ્ટના જયસુખભાઈ પટેલના અંગત વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. આ તમામ લોકો સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સરકારે સ્પેશયલ ટીમ પણ બનાવી છે.
મોરબીમાં 30 ઓક્ટોબરે ઝુલતો પુલ તુટી પડતા 134 લોકોના મોત થયા હતા. રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું કે પુલ તૂટી પડવાના કેસમાં સોમવારે નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ છે. પોલીસે બ્રિજની જાળવણી અને સંચાલનનું કાર્ય સોંપેલ એજન્સીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. મોરબી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિવારે રાત્રે નોંધાયેલી એફઆઈઆરમાં પોલીસે બ્રિજની જાળવણી અને સંચાલન માટે જવાબદાર એજન્સીઓને મુખ્ય આરોપી બનાવી છે. બી’ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રકાશ દેકીવાડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હતું કે મચ્છુ નદી પરનો પુલ લગભગ આઠ મહિનાથી ઉપયોગમાં લેવાતો ન હતો કારણ કે સ્થાનિક વહીવટીતંત્રે તેના રિનોવેશનની કામગીરી ખાનગી એજન્સીને સોંપી હતી.
એફઆઈઆરમાં જણાવાયું હતું કે રિનોવેશન પૂર્ણ થયા પછી એજન્સીએ 26 ઓક્ટોબરે બ્રિજને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. એજન્સીના લોકોના કઠોર અભિગમને કારણે આ ઘટના બની હતી. એફઆઈઆરમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત વ્યક્તિઓ અથવા એજન્સીઓએ બ્રિજની જાળવણી તેમજ સમારકામની ગુણવત્તા પર ધ્યાન આપ્યું ન હતું.