મોરબીમાં સોમવારે મચ્છુ નદીમાં કેબલ બ્રિજ તૂટી પડ્યા બાદ બચાવ કામગીરી (ANI Photo)

મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. મોદીની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલાં સાફ સફાઈ અને રંગ રોગાન કરવામાં આવ્યું હતું.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કમનસીબોની સંખ્યા ૧૩૫ થઇ છે. જો કે બિનસત્તાવાર આંકડો આનાથી પણ વધી શકે તેમ કહેવાઇ રહ્યું છે. મૃતકોમાં ૫૭થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને થરાદ ખાતેના પોતાના કાર્યક્રમોમાં ભાવુક થઇ ગયા હતા. દુર્ઘટના સ્થળે લશ્કરની ત્રણેય પાંખો, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિતના વિવિધ ટુકડીઓ દ્વારા રવિવારની આખી રાત સઘન રીતે બચાવ કાર્ય ચાલતું રહ્યું હતું અને મચ્છુના પાણીમાંથી એક પછી એક મૃતદેહો નીકળતા રહ્યા હતા. સોમવારે બપોર સુધીમાં બચાવકાર્ય એકંદરે પૂરું થયું હતું. લાશોના ઢગલા અને શોકાતુર પરિવારોના આક્રંદ વચ્ચે ઝુલતા પુલ મોતનો પુલ બનવાની ઘટનામાં ૯ વ્યક્તિઓની ધરપકડ કરાઇ હતી. જોકે આ બ્રિજનું રિનોવેશન કરવાની ઓરેવા કંપનીનું ફરિયાદમાં નામ લખવામાં આવ્યું ન હતું. સરકારે રચેલી સમિતિએ સોમવારથી જ તપાસ પણ શરૂ કરી દીધી હતી. યુદ્ધના ધોરણે લાગી પડેલા તંત્રએ રાહત અને બચાવ કાર્ય પાર પાડવાની સાથે મૃતકોના વારસોને પાર્થિવ દેહની સાથે જ સરકારી મદદના ચેક આપવાની તંત્રની ઝડપી કામગીરી શોકાતુર પરિવારોને માટે આશ્વાસનરૂપ બની હતી.

ઓરેવા ટ્રસ્ટના સંવાહકો ભૂગર્ભમા

ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં ઝૂલતા પુલનું સંચાલન કરતા ઓરેવા ટ્રસ્ટવાળા કોઇનું નામ નથી. જેને કારણે લોકોમાં વ્યાપક આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પૂરતી ટેકનીકલ ચકાસણી વિના અને સલામતીનાં માપદંડોના પાલન વિના ઓરેવા દ્વારા પોતાની રીતે પુલને ચાલુ કરી દેવાતાં લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે. સ્થાનિક તંત્ર દ્વારા ભલે આ સંદર્ભે ઉકળાટછાલવવામાં આવતો હોય, પણ પાંચ દિવસથી પુલ ચાલુ કરી દેવાયો ત્યારથી આ દુર્ઘટના બની ત્યાં સુધીમાં કોઇ કરતાં કોઇ સત્તાવાળાઓ દ્વારા કોઇ વાંધો કે વિરોધ ન કરાયો હોઇ તંત્રની બેદરકારી સામે લોકોમાં વધુ રોષ ફેલાયો છે. પુલનું વ્યવસ્થાપન કાર્ય સંભાળતા ઓરેવા ટ્રસ્ટ સામે પણ મોરબીમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ દુર્ઘટના બની ત્યારથી તેના સંવાહકો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય એમ એકદમ લાપત્તા થઇ ગયા છે.

નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ આખી રાત બચાવ માટે કામે લાગી હતી. મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ હતી.. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરીમાં જોડાયા હતા. ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રધાનમંડળના સભ્યો બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી વગેરેએ આખી રાતદુર્ઘટના સ્થળે રહીને બચાવ કામગીરીનું મોનિટરિંગ કર્યું હતું.

LEAVE A REPLY