મોરબી હોનારત અંગે ભારતના પ્રેસિડન્ટ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ કર્યું હતું. પ્રેસિડન્ટ મુર્મુએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતિત કરી દીધી છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્તો સાથે છે. રાહત અને બચાવના પ્રયાસોથી પીડિતોને રાહત મળશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) તરફથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના અંગે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “મોરબીમાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મેં આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે. NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો વહીવટીતંત્રને આદેશ આપવામાં આવ્યો છે.
આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું આવા મુશ્કેલ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ મદદ કરે અને ગુમ થયેલા લોકોની શોધમાં મદદ કરે.
મોરબીમાં રવિવાર, 30 ઓક્ટોબરે ફરી એકવાર મોટી હોનારત સર્જાઈ હતી. રિનોવેશન પછી તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવેલો મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડતા આશરે 500 લોકોના પાણીમાં પડ્યા હતા અને 190 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થતો હતો. સ્થાનિક ચેનલોના અહેવાલો મુજબ 30 બાળકો સહિત 190 લોકોના મોત થયા હતા અને મોતના આકડામાં વધારો થવાની શક્યતા છે.