મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના આરોપી ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે મંગળવારે મોરબીની એક કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે 27 જાન્યુઆરીએ દાખલ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ આરોપી તરીકે હતું. તેમણે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અગાઉ કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) મોરબીમાં મચ્છુ નદી પરના બ્રિટિશ યુગના ઝૂલતા પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે જે તેના સમારકામના દિવસો પછી ગયા વર્ષે 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો.
જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. તે પહેલા જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું હતું. ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માગ કરી રહ્યા હતા.પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું