પ. પૂ. મોરારી બાપુને ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇ સાપ્તાહિકોની નકલ અર્પણ કરતા એસોસિએટ એડિટર કમલ રાવ

  • કમલ રાલ
  • એક્સક્લુસિવ

કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કોલેજ ખાતે 921મી શ્રી રામ કથા માટે પધારેલા વિશ્વ વંદનીય અને વિશ્વ વિખ્યાત કથાકાર સંત પૂ. શ્રી મોરારી બાપુએ ગરવી ગુજરાત સાપ્તાહિકને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’રામાયણનો એક સાર છે ‘સત્ય, પ્રેમ અને કરૂણા.’ તેને આપણાં જીવનમાં ઉતારશું તો આ ધરતી પર રામરાજ્ય આવશે..’’ પૂ. બાપુએ આ ઉપરાંત સનાતન ધર્મ, ગુજરાતી ભાષા, સંસ્કાર, વતન ભારત અને અન્ય વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જે મુલાકાત અત્રે પ્રસ્તુત છે.

‘’ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સદાચાર દરેક ઘરોમાંથી ભુંસાતા જાય છે ત્યારે આપણું ભવિષ્ય શું? એવા પ્રશ્નના  જવાબમાં પ. પૂ. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘’હું આપણી ભાષા, સંસ્કૃતિ અને આપણા સંસ્કારો માટે સતત બોલી રહ્યો છું. અહિંયા તો હું વધારે ભાર દઇને બોલવાનો છું. મેં કહ્યું પણ છે કે ઘરમાં તો ગુજરાતી જ બોલો અને બાળકોને તો થોડું ગુજરાતી વાંચતા પણ શિખવો. આજે તો મોબાઇલ પર મહાભારતની વાર્તાઓ, રામાયણ બધુ મળે છે. બાળકોને એમાં રસ પડે એવું ધણું જ છે. કોઇ એક સંત આવશે અને તો થોડા દિવસ રહીને એ જતા રહેશે, પણ તેમના ગયા પછી તે સંભાળવાનું પરિવારજનોનું કર્તવ્ય છે. તેઓ બાળકોને સમય આપે અને એમની પાસે બેસે. પણ આજે મા બાપ પાસે સમય જ નથી. અને પછી છોકરાઓ ફોન પર બીજુ બધું જોયા કરે છે. આ બહુ ગંભીરતાથી લેવા જેવો પ્રશ્ન છે. હજી તમારી પેઢીના લોકો તો બધા સમજી લેશે પણ જો આવુંને આવું રહેશે તો આગળની પેઢી તો કશું સમજી જ નહિં શકે.’’

પૂ બાપુએ તેમાં ઉમેરો કરતાં જણાવ્યું હતું કે ‘’ઇંગ્લિશ ભાષા તો દુનિયાની ભાષા છે. બાળકો એ જરૂર બોલે, પણ ઘરમાં તો ફરજીયાત ગુજરાતી જ બોલવું જોઇએ, હિન્દી બોલવું જોઇએ. જેની જે માતૃભાષા હોય તેમણે તે બોલવી જ જોઇએ. બાળકોને રામાયણ અને મહાભારતના પાત્રોથી સતત પરિચીત રાખવા જોઇએ. હું તો આ કહીશ જ.’’

યુકેમાં રામરાજ્ય છે, ડોલરભાઇ જેવા અગ્રણી નેતાઓ કહે છે કે યુકેમાં રામ રાજ્ય છે. અમને યુકેએ ઘણું આપ્યું, સૌને સંપન્ન કર્યા, સુનક વડા પ્રધાન છે. શું આપના મતે ભારતમાં રામરાજ્ય શક્ય છે ખરૂં?

પૂ. મારારી બાપુએ જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘’કેમ શક્ય ન હોય? આખી દુનિયામાં રામ રાજ્ય શક્ય છે. માણસ પોતાના હઠાગ્રહો છોડીને, ભગવાન રામની ભક્તિ કરે. તેઓ હિન્દુઓના હતા કે સમાતનીઓના ભગવાન હતા તે પણ ભૂલી જાય. ભગવાન આખા વિશ્વના છે, વિશ્વમાં તેમનો વાસ છે. જો આપણે રામ રાજ્ય લાવવું હોય તો પરમાત્માના વૈશ્વિક વિચારોને પકડવા જ પડશે. અને જો રામનું સત્ય, રામનો પ્રેમ અને રામની કરૂણા; પરમાત્માના વૈશ્વિક વિચારોને આપણે પકડી લઇશું તો કોઇ ધર્મ ના નહિં પાડી શકે. એ જો આપણા જીવનમાં આવે તો કેવલ બ્રિટન કે હિન્દુસ્તાન જ નહિં આપણી વસુધામાં રામ રાજ્યનું વાતાવરણ આપણે સર્જી શકીએ. હું પ્રમાણ ન આપી શકું પણ હું જો જોઇ શકું તો સારૂ કે એવું ભારત, એવી દુનિયા, આવતી પેઢી એ જરૂર જોશે અને આ બાબત અસર કરશે.’’

ધાર્મિક વિખવાદો, ભ્રષ્ટાચાર, જાતિગત રાજકારણ… આ બધું ભારતને પણ અસર કરે છે. શું તેનો હલ આવશે એવા પ્રશ્નના જવાબમાં પૂ. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘’ભારતમાં પણ સારૂ વાતાવરણ બનતું જાય છે. અને હુજ પણ આપણને, પોત પોતાની રીતે જો તેવું કાંઇ દેખાતું હોય, તો મને એમ લાગે છે કે તે સુર્યોદય પહેલાનું અંધારૂ છે.’’

‘’તમે રામ કથા પ્રવચન દ્વારા આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપો છો? લઘુમતીઓ, અરે હિન્દુઓ પણ પોતાના પર દબાણની ફરિયાદ કરે છે. ત્યારે તમે કથામાં જે  પ્રવચન કરો છો તેનાથી આપણાં હિન્દુઓ પર કશો ફર્ક પડશે?

પૂ. બાપુએ જણાવ્યું હતું કે ‘’30 ટકા ફરક તો જરૂર પડશે. અવારનવાર આવું જે કોઇ દેશમાં કે કોઇ વર્ગ દ્વારા કહેવાતું હોય તો એમણે હજુ ભારતમાં એક વર્ષ રહેવું જોઇએ. પછી કોમેન્ટ કરવી જોઇએ. અમુક બાબત પકડીને જ વાત કરીએ, એના કરતાં બીજી કેટલી વિશાળતા છે એને જોવું જોઇએ. વૈશ્વિક સાધુ સંતોને સાંભળવા જોઇએ. કેવળ આપણાં પૂર્વગ્રહને લીધે જ આપણે કહી દઇએ કે ભારતમાં તો આમ છે, આમ ચાલે છે અને એવું છે… મારી દ્રષ્ટીએ ભારતમાં ઘણું સારુ વાતાવરણ છે.’’

હિન્દુ ધર્મમાં સંપ્રદાયોનું જોર, મહત્વ તથા વિવિધ સંપ્રદાયો સનાતન ધર્મની ઘોર ખોદી રહ્યા છે એવા પ્રશ્નના જવાબમાં પૂ. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘’સનાતન ધર્મની ઘોર કોઇ ખોદી નહિં શકે. સનાતન ધર્મના મૂળીયાં જમીનમાં નહિં આકાશમાં છે. નીચે જમીનમાં હોય તો તો તમે જમીનમાંથી ખોદીને કાઢી શકો છો. આ તો ઉર્ધ્વમૂલન છે એમ ભગવદ ગીતા કહે છે. એના મૂળીયાં ઉંચા છે અને તે મૂળિયાંને સ્પર્શ કરવા માટે વિચારોની ઉંચાઇ જોઇએ, સંવાદ હોવો જોઇએ. એક વડલાનું વૃક્ષ હોય એની ડાળો એમ કહે કે કોઇ મૂળ નથી, અમે જ મૂળ છીએ તેમ કહે તો કોણ માનશે? તમે મૂળમાંથી જ પ્રગટ્યા છો. અને પછી મૂળને જ કાપવાની વાત કરો છો? સમાજ ભ્રમિત થાય છે. તેને બુધ્ધીપૂર્વક ભ્રમિત કરવામાં આવે છે, હું જાણું છે. એના નેટવર્ક ગોઠવાય છે પણ એની સામે અમારી મર્યાદામાં, સાધુતામાં રહીને, હું વિનયપૂર્નક કામ કરતો રહ્યો છું. ઘણાંને નહિં ગમતુ હોય. પણ આ એક ચિંતાનો વિષય તો છે જ. અને તેથી સનાતન ધર્મની વિશાળતાને કોઇ કાયરતા ન સમજે. અને આપણાં બાળકોને છેક મૂળ સુધી સમજ આપવાની જરૂર છે. કારણ કે આજે આપણાં મહાભારતની કથાઓમાં ફેરવી ફેરવીને, પોતાની કથાઓ નાંખીને, બધું આખું બહુ મિશ્ર કરી રહ્યા છે. એવા સમયે સનાતન જે આપણો મૂળ ધર્મ છે એમાં આપણે વધારે જાગૃતિ લાવવાની જરૂર છે. એ માટે જાગરણ કરવાનું કામ મારી મર્યાદા અને મારી સાધુતાના વિનયમાં રહીને મારી વ્યાસપીઠ કરી રહી છે.’’

શું NRI યુવાનો હવે ભારતીય શાસ્ત્રો તરફ વધારે ખેંચાઇ રહ્યાં છે? અને તેમાં વધારો થાય તે માટે શું કરવું જોઇએ એવા પ્રશ્નનો ઉત્તર આપતાં પૂ. બાપુએ જણાવ્યું હતું કે ‘’આપણો સનાતન ધર્મ અને આપણી વ્યાસપીઠો યુવાનોને ઠપકો નથી આપતી તે તમે આ ચૂકી ગયા છો કે તમે આમ કરીને પાપ કરો છો… તેથી તમે પ્રયશ્ચિત કરો. તેને બદલે તેમનો ખભો પકડીને પ્રેમ કરવો જોઇએ. અને હું કાયમ કહું છું તેમ કે મારો કોઇને સુધારવાનો ઠેકો નથી. મારે તો તેઓ જેવા હોય તેવા તેમને સ્વીકારવા છે. તેના પરિણામે આ કથામાં જ જુઓ કે કેટલી માત્રામાં યુવાનો આવી રહ્યા છે. આવનારા ભાઇ બહેનો મારી ભાષા પણ સમજી નથી શકતા, પણ કેવળ માહોલ જોઇને એની આંખમાં આંસુ આવે છે. આ એક બહુ જ સારો શુકન છે, સારી નિશાની છે અને મને લાગે છે કે આ બહુ મોટુ પરિણામ લાવશે.’’

આજના વિશ્વના વિવિધ પડકારો માટે સુસંગત એવું રામાયણનું લાઇફ લેસન આપતાં પૂ. બાપુએ જણાવ્યું હતું કે ‘’હુ એટલું જ કહીશ કે મારી પાસે રામાયણનો એક જ સાર છે અને તે છે ‘સત્ય, પ્રેમ અને કરૂણા.’ તે આખા રામાયણનો અર્ક છે, નિચોડ છે. હું અને તમે જો આટલું શિખી જઇએ કે ‘સત્ય’ મારા માટે છે, બીજુ કોઇ સત્ય બોલે કે ન બોલે તેની ચિંતા આપણે નહિં કરવાની. ‘પ્રેમ’ પરસ્પરનો હોવો જોઇએ અને ‘કરૂણા’ બધા માટે રાખો. ભગવાન રામે આ જ કર્યું છે. અને આ જ સનાતન છે. દરેક કાળમાં પ્રાસંગિક છે. આપણે આ માર્ગે જવું પડશે. અને એ માર્ગે જઇશું તો રામાયણનો  મોટો સંદેશ આપણા ઘટમાં, આપણાં ઘરમાં અને આપણાં રાષ્ટ્રમાં અને આખી ધરતી ઉપર પ્રેમ રાજ્યની સ્થાપના કરશે. આ પ્રેમ રાજ્યની સ્થાપનાને જ હું રામ રાજ્ય કહું છું. આપના વાચકો માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શિવ આરાધનાની વધાઇ.

સર્વે ભવન્તુ સુખિન: સર્વે ભવન્તુ નિરામય:
સર્વે ભદ્રાણી પશ્ચન્તુ,  મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ભવેત્…
જય સિયારામ

LEAVE A REPLY