લોકપ્રિય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ફાયરિંગમાં બીજા બે વ્યક્તિ પણ ઘાયલ થયા હતા. પંજાબ સરકારે મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હોવાના એક દિવસમાં આ ઘટના બની છે. વીઆઇપી કલ્ચર સામેની ભગવંત સિંહ માન સરકારની કાર્યવાહીના ભાગરૂપે તેમની સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યું હતું.
પંજાબના માનસામાં મુસેવાલા અને તેમના બે મિત્ર પોતાના ગામમાં કારમાં જઈ રહ્યાં હતા ત્યારે આ હુમલો થયો હતો. મૂસેવાલાની એસયુવી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેઓ એસયુવીની સીટ પર જ તેઓ ઢળી પડ્યા હતા. એસયુવી પણ લોહીલુહાણ થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. મૂસેવાલા કોગ્રેસની ટિકિટ પર માણસાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. AAPના ડૉ. વિજય સિંગલાએ 63,323 મતોના માર્જિનથી તેમને હરાવ્યા હતા. માનસા જિલ્લાના ગામ મૂસાના વતની, મૂસેવાલા ગયા વર્ષે નવેમ્બરમાં ખૂબ જ ધામધૂમ વચ્ચે કોગ્રેસમાં જોડાયા હતા.